ધ્રોલ નજીક આવેલા ખારવાના ગણેશ વિદ્યાસંકુલની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લા ધ્રોલ તાલુકામાં આવેેલા ખારવા ગામની ગણેશ વિદ્યાસંકુલ હોસ્ટેલમાં રહેતી મહેશ્ર્વરીબા સંજયસિંહ જાડેજા (ઉ.વ.14) નામની વિદ્યાર્થિનીએ ગઈકાલે બપોરના સમયે હોસ્ટેલના રૂમમાં અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. આ બનાવની જાણ થતા શૈક્ષણિક સંકુલનો સ્ટાફ અને પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળીને જી. જી. હોસ્પિટલમાં પીએમ માટે ખસેવામાં આવ્યો હતો. મૃતક વિદ્યાર્થિની જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) ગામની હોવાનું સામે આવ્યું છે. આ અંગે સંજયસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા ધ્રોલ એએસઆઇ એમ.પી. મોરી સહિતના સ્ટાફ દ્વારા વિદ્યાર્થિનીના આત્મઘાતી પગલું ભરવા પાછળના કારણોનો તાગ મેળવવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવને પગલે વિદ્યાર્થી આલમમાં અરેરાટી ફેલાવવાની સાથે મૃતકના પરિવારમાં પણ ઘેરો શોક છવાયો છે. વિદ્યાર્થિનીએ અગમ્યકારણોસર પગલું ભર્યાનું પ્રાથમિક તબકકે જાહેર થયું છે.


