ધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામની સીમના વાડી વિસ્તારમાં રહેતાં શ્રમિક યુવાને એકટાણુ કરવા માટે બનાવેલ ફરાળ પત્નીને કહ્યા વગર જમી લેતા પત્ની અને પતિ વચ્ચે બોલાચાલી થયા બાદ પત્નીએ ઝાડની ડાળીમાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામની સીમમાં ભીમજીભાઈ જીવાણીના ખેતરમાં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના વતની થાનસીંગ કુવરસીંગ પસાવા નામના યુવકે સોમવારે ઉપવાસ એકટાણા માટે ફરાર બનાવ્યું હતું અને આ ફરાળ તેની પત્નીને કહ્યા વગર એકલાએ કરી લીધું હતું. જેથી પત્ની લક્ષ્મીબેનને માઠું લાગી આવતા ગુસ્સે થઈ હતી. પતિએ ફરાળ માટે અને પાણીનું પણ નહીં પૂછતા વાતચીત કરી ન હતી. આ બાબતનું મનમાં લાગી આવતા લક્ષ્મીબેન થાનસીંગ પસાવા (ઉ.વ.21) નામની યુવતી એ ઝાડની ડાળીમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફે મૃતકના પતિ થાનસીંગના નિવેદનના આધારે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.