જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં આવેલી ટાઉનશીપમાં રહેતી યુવતીએ દોઢ વર્ષથી થયેલી માનસિક તણાવની બીમારીથી કંટાળી તેણીના ઘરે ટિકડી ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના જુથળ ગામના વતની અને હાલ જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં રિલાયન્સ ટાઉનશીપ સેકટર નંબર 21 17-એચ માં રહેતાં મેહુલભાઈ વિનોદભાઈ સાદરીયા નામના યુવાનની પત્ની સંધ્યાબેન સાદરીયા (ઉ.વ.29) નામની યુવતીને છેલ્લાં દોઢ વર્ષથી માનસિક તણાવની બીમારી થઈ હતી. જેના કારણે પૂરતી નિંદર કરી શકતી ન હતી. અને ખોટા વિચારો આવતા હતાં. બીમારીની સારવાર કરાવવા છતાં સુધારો થતો ન હોવાનું મનમાં લાગી આવતા બુધવારે બપોરના સમયે તેના ઘરે ટિકડી ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં તબિયત લથડતા રિલાયન્સમાં હેલ્થ સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જયાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ દ્વારા જાણ કરાતા પીએસઆઈ બી બી કોડીયાતર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.