કાલાવડ તાલુકાના લલોઇ ગામમાં રહેતાં ખેડૂત પ્રૌઢે નબળી આર્થિક પરિસ્થિતિના કારણે જિંદગીથી કંટાળી જઈ તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના લલોઇ ગામમાં રહેતા અને ખેતી કરતા પ્રવિણભાઈ વિરજીભાઈ રાબડિયા (ઉ.વ.52) નામના પ્રૌઢ ખેડૂતની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી સતત ભીંસ અનુભવતા હતા અને આ ભીંસના કારણે ચિંતામાં રહેતા હોય જેથી જિંદગીથી કંટાળીને શુક્રવારે સવારના 7:30 વાગ્યાના અરસામાં તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા બેશુધ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રૌઢની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર દિવ્યેશ રાબડિયા દ્વારા જાણ કરાતા હેકો એફ એમ ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.