લાલપુર તાલુકાના મીઠોઇ ગામમાં રહેતાં યુવાન પાસેથી વ્યાજખોરોએ યુવાનની કાર બળજબરીપૂર્વક પડાવી લઇ અવાર-નવાર ધમકાવી માનસિક ત્રાસ આપતા કંટાળેલા યુવકે ઝેરી દવા ગટગટાવી જતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં હાલાજી શેરીમાં રહેતાં વિશ્વરાજસિંહ ઉર્ફે વિશાલ વિક્રમસિંહ જેઠવા (ઉ.વ.20) નામના યુવક સાથે દ્વારકા જિલ્લાના ઘડેચી ગામના બાલા રબારીએ જમીન લે-વેચના વ્યવસાયમાં સાથે રહીને ઓછા વ્યાજે નાણાં વિશ્ર્વરાજસિંહને વધુ વ્યાજ જણાવી પૈસા અપાવી વ્યાજચક્રમાં ફસાવી દીધો હતો. ત્યારબાદ રાજપરા ગામના રામદેવ કેશવાલા અને રાજુ કેશવાલા નામના બે વ્યાજખોરોએ વિશ્ર્વરાજસિંહ પાસેથી મુદ્લ તથા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી યુવકની જીજે-10-ડીજે-1206 નંબરની કીયા સેલ્ટો કાર બળજબરીપૂર્વક પડાવી લીધી હતી અને યુવકને હોટેલે લઇ જઇ નાણાંની ઉઘરાણી કરી ગાળો કાઢી અપમાનિત કર્યો હતો. તેમજ વ્યાજખોરો દ્વારા માનસિક ત્રાસ આપી ધમકાવી અવાર-નવાર રૂપિયાની ઉઘરાણી કરતા વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વિશ્વરાજસિંહ ગત તા. 11 ના રોજ સવારના સમયે ઝાખર ગામમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પી ટી જયશ્ર્વાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ વિશ્ર્વરાજસિંહના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી. દરમિયાન વિશ્વરાજસિંહનું મોત નિપજતા પોલીસે આ બનાવમાં મરી જવા મજબુર કર્યાનો બે વ્યાજખોર સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.