ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નસીલા પદાર્થોની હેરફેર વધતી જતી હોવા અંગેનું ચિત્ર સામે આવ્યું છે. અગાઉ ભાગ્યે જ નોંધાતા માદક પદાર્થોના તોતિંગ ઝડપાયેલા જથ્થા ઉપરાંત દેશી-વિદેશી દારૂ વિગેરે પણ વ્યાપક પ્રમાણમાં ઝડપાઈ રહ્યા છે. આ સંદર્ભે ગુજરાતમાં આ પ્રકારના નશીલા પદાર્થોની હેરાફેરી બંધ થાય અને યુવા વર્ગ બરબાદી તરફ ન ધકેલાય તે હેતુથી ખંભાળિયામાં એન.એસ.યુ.આઈ. દ્વારા જિલ્લા પોલીસ વડાને સંબોધીને એક લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે અને ગુજરાતનું યુવાધન નસીલા પદાર્થો તરફે જતા અટકે તેવી માંગ સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા “નો ડ્રગ્સ મુમેન્ટ” શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાને ગાંધીના ગુજરાતમાં નશીલા પદાર્થોનું વેચાણ તથા સેવન સદંતર બંધ થાય તેવી માંગ કરી, ખંભાળિયામાં એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ દાનાભાઈ માડમ, યુથ કોંગ્રેસના પ્રમુખ સંજયભાઈ આંબલીયા, ગોવિંદ આંબલીયા, કપિલ ત્રિવેદી, રાજેશ ગોજીયા સહિતના કાર્યકરો દ્વારા સવિસ્તૃત લેખિત આવેદનપત્ર પાઠવી, રાજ્યને “ઉડતા ગુજરાત” બનતા અટકાવવા તંત્ર દ્વારા કડક હાથે પગલા લેવામાં આવે તેવી માંગ કરી હતી.