જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા દ્વારા જિલ્લામાં ટેકનિકલ સ્ટાફ સહિતની ખાલી રહેલી જગ્યાઓ ઉપર ભરતી માટે મંજૂરી આપવા માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યું છે કે, જિલ્લામાં ટેકનિકલ સ્ટાફની ઘણી બધી જગ્યાઓ ખાલી છે અને જામનગર જિલ્લાના કરોડો રૂપિયાના સીવીલ કામો ગત જાન્યુઆરી-2021થી સતત મંજુર થયે રાખ્યા છે. મંજુર થયેલા કામોના જોબનંબર પણ સરકારે ફાળવી આપ્યા છતાં જામનગર જિલ્લા પંચાયત દ્વારા એસ્ટીમેટ અને ટેન્ડરીંગની કાર્યવાહી જ થઈ નથી. આવા ઢંગધડા વગરના વહિવટને કારણે હેરાનગતિ ભોગવવાનો વારો ગ્રામજનોનો આવ્યો છે. આ સ્થિતિ વચ્ચે જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાએ માર્ગ-મકાન મંત્રી પુર્ણેશભાઈ મોદીને પત્ર લખીને માંગણી કરી છે કે, જામનગર જિલ્લા પંચાયતમાં ટેકનિકલ સ્ટાફની ઘણી બધી જગ્યાઓ ખાલી છે. જેના કારણે કામગીરીમાં ખુબ જ મુશ્કેલી થાય છે. તેમજ વિકાસલક્ષી કામોની ગુણવત્તા જળવાતી નથી. જિલ્લાના મંજુર થયેલા રૂા.98 કરોડના કામોના જોબ નંબર અપાઈ ચુક્યા બાદ એસ્ટીમેટ બનાવવાની કામગીરી ચાલુ છે. રૂા.26 કરોડના રસ્તાના કામો પ્રગતિમાં છે. ત્યારે મેન પાવરની ઘટના કારણે કામો સમયસર થઈ શકતા નથી. તેથી જામગનર જિલ્લા પંચાયતમાં બે મદદનીશ ઈજનેર, 16 અધિક મદદનીશ ઈજનેર, વર્ક આસીસ્ટન્ટની 125 જગ્યાઓમાંથી હાલ માત્ર 7 ભરેલી હોવાથી 8 વર્ક આસીસ્ટન્ટની જગ્યા ભરવા મંજુરી આપવામાં આવે. ઉલ્લેખનિય છે કે, આ મામલે જિલ્લાના પ્રભારી મંત્રી બીજેશ મેરજા, કેબીનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને માર્ગ-મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીને તા.21 મી એ જિ. પં.ના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાએ રૂબરુ રજુઆત પણ કરી હતી.