જામજોધપુર તાલુકાના સંગચિરોડા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષકે એક વિદ્યાર્થીને ફડાકો મારી જમણી આંખ ઉપર લાત મારી ઈજા પહોંચાડયાની ઘટનામાં વિદ્યાર્થીના પિતા દ્વારા શિક્ષણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સંગચિરોડા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં નવ વર્ષના વિદ્યાર્થીને શનિવારે સવારના સમયે તેના કલાસમાં તેના શિક્ષક શૈલેષ ખાંટએ વિદ્યાર્થી ઉપર ગુસ્સો કરી એક ફડાકો માર્યો હતો. ઉપરાંત જમણી આંખની નીચેના ભાગે ગાલ પર એક લાત મારતા વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. ત્યારબાદ શિક્ષકના મારથી ઈજા પહોંચેલા વિદ્યાર્થીએ તેના પિતાને ઘટનાની જાણ કરતા વિદ્યાર્થીના પિતા આવળભાઈએ આ બનાવ અંગે શિક્ષક વિરૂધ્ધ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેેના આધારે હેકો એન.એન.વાળા તથા સ્ટાફે શિક્ષક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.