કાલાવડ ખાતે યોજાયેલ રણુજા મેળા દરમ્યાન એસટીને રૂા. 13,06,372ની આવક થવા પામી છે. જેમાં એસટી વિભાગ દ્વારા 45 વાહનોની 725 ટ્રીપ કરાઇ હતી. આ બસોમાં 46,057 મુસાફરોએ લાભ લીધો હતો.
કાલાવડ ખાતે તાજેતરમાં રણુજાનો મેળો યોજાયો હતો. આ રણુજાના મેળામાં જામનગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં
લોકો ઉમટયા હતા અને રણુજામાં રામદેવ પીરના દર્શનનો લાભ લઇ લોકોએ મેળાની મજા પણ માણી હતી. આ મેળા દરમિયાન માનવ મહેરામણ ઉમટયું હતું. ત્યારે મુસાફરોને ઘ્યાને લઇ એસટી વિભાગ દ્વારા પણ કાલાવડ-રણુજા, રણુજા-કાલાવડ, જામનગર-રણુજા અને રણુજા-કાલાવડ વચ્ચે એસટી બસોની વિશેષ ટ્રીપો ચલાવવામાં આવી હતી. જેમાં તા. 01ના આ રૂટો ઉપર કુલ 89 ટ્રીપો ચલાવાઇ હતી. જેમાં પ્રથમ દિવસે એસટી વિભાગને કુલ રૂા. 1,18,620ની આવક થઇ હતી. બીજા દિવસે તા. 02ના દિવસે કુલ 334 ટ્રીપો ચલાવાઇ હતી. જેમાં કુલ રૂા. 6,57,368ની આવક થવા પામી હતી. ત્રીજા દિવસે કુલ 302 ટ્રીપો ચલાવાઇ હતી. જે અંતર્ગત એસટી વિભાગને રૂા. 5,61,564ની આવક થઇ હતી.
આમ, ત્રણ દિવસમાં એસટી વિભાગ દ્વારા કુલ 725 ટ્રીપો ચલાવાઇ હતી. જેનો 46,057 મુસાફરોએ લાભ લેતા એસટી વિભાગને ત્રણ દિવસ દરમિયાન કુલ રૂા. 13,37,552ની જંગી આવક થવા પામી હતી.


