સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવા સામે જામનગરની જાગૃત મહિલા મંડળ દ્વારા સખ્ત વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આ અંગે મહિલા મંડળ દ્વારા જામનગર કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
ભારતમાં રહેતા સમલૈંગિક યુગલોને લગ્ન માટે કાનૂની માન્યતા આપવા સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેના ચૂકાદાની રાહ જોવાઇ રહી છે ત્યારે જામનગરની જાગૃત મહિલા મંડળે આવા લગ્નોને કાનૂની માન્યતા આપવા સામે પોતાનો સખ્ત વિરોધ નોંધાવતું આવેદન કલેકટરને પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારો પૈકી 12માં લગ્ન સંસ્કાર અતિ મહત્વના છે. લગ્ન સંસ્કારથી બ્રહ્મચર્યાશ્રમમાં રહેતી વ્યકિતનો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થાય છે. વિશ્ર્વના લગભગ તમામ ધર્મો અને જાતિના લોકોમાં કોઇને કોઇ રીતે લગ્ન સંસ્કારની પ્રથા પ્રચલિત છે. લગ્ન સંસ્કાર ભલે એક ધાર્મિક વિધી છે પરંતુ તેનો વ્યકિત અને સમાજ ખૂબ ઉંડો પ્રભાવ પડે છે. સ્ત્રી વિના પુરૂષ અધુરો છે અને પુરૂષ વિના સ્ત્રી ઉધરી છે. ત્યારે બન્નેનું જોડાણ બન્ને પાત્રોને પૂર્ણ બનાવે છે. આવી શ્રેષ્ઠ વિચારધારા ધરાવતા ભારત દેશમાં જયારે વિકૃત માનસિકતા ધરાવતા સમલૈંગિકો દ્વારા જો સુપ્રિમ કોર્ટ દ્વારા લગ્નની માન્યતા મેળવવામાં આવે તો ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારો પૈકીના લગ્ન સંસ્કાર નાશ પામશે. આવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ નવા પ્રકારની વ્યવસ્થાથી એઇડસ જેવા ગંભીર રોગો સમાજમાં ફેલાશે. તેમજ દેશની યુવા પેઢી ગુમરાહ થશે. ત્યારે ભારતમાં આવા સમલૈંગિક લગ્નને માન્યતા ન મળે તે જરૂરી છે.