રાજયમાં નવા વેરિયેન્ટનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો હતો. ત્યારબાદ જામનગરમાં વધુ બે પોઝિટિવ નોંધાયા હતાં અને ગત્ સપ્તાહ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. રાજય સરકાર દ્વારા આ વેરિયેન્ટના પગલે તંત્રને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે અને તકેદારીના તમામ પગલાઓ લઇ રહ્યા છે. કોરોનાનો સંક્રમણ ફરીથી ન વકરે તે માટેની કડક કાર્યવાહી પણ હાથધરવામાં આવી છે. ઉપરાંત લોકોને કોવિડ ગાઇડલાઇનમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્ક ફરજીયાત પહેરવા અપીલ કરી રહી છે. જામનગર શહેરમાં ગત્ સપ્તાહ કોરોનાના કેસોમાં ચાર દિવસ સુધી સતત વધારો થયો હતો. જેમાં બુધવારે 7, ગુરૂવારે 10, શુક્રવારે 11 અને શનિવારે 15 પોઝિટિવ કેસ નોંધાયા હતાં અને ત્યારબાદ પોઝિટિવ કેસોમાં ઘટાડો થતાં રવિવારે 4 અને સોમવારે 0 પોઝિટિવ કેસ રહ્યા હતાં. જેથી તંત્રએ રાહત અનુભવી હતી. પરંતું કોરોનાનું સંક્રમણ ફરીથી ન વકરે તે માટે વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ એકશનમાં આવી ગયું છે.
વહિવટી તંત્ર દ્વારા સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરતાં પથરાવાળાઓ અને ગુજરી બજારમાં વેપાર કરતા પથારાવાળાઓને હટાવવામાં આવી રહ્યા છે અને કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા તાકિદ કરવામાં આવી છે. વહિવટી તંત્રની સાથે સાથે પોલીસ વિભાગ પણ ફરીથી એકશનમાં આવી ગયું છે અને આજે ગુલાબનગર રોડ પર માસ્ક સંદર્ભે કડક ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેમકે, કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ લોકો બિંદાસ બની ગયા છે અને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવામાં બેદરકારી રાખે છે. જેના કારણે ફરીથી કોરોના સંક્રમણ ન વકરે તે માટે પોલીસે માસ્ક ચેકિંગ અને દંડની કાર્યવાહી શરૂ કરી છે.