જામનગર શહેરમાં ફરવા જેવા જાહેર સ્થળોએ લોકોને વાહનોમાં મોટા અવાજે ટેપ અને હોર્ન વગાડી પરેશાન કરતાં તથા ધુમ સ્ટાઈલમાં બાઈક ચલાવતા તત્વો વિરૂધ્ધ પોલીસવડા દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં ત્રણ દિવસ દરમિયાન પોલીસે 293 વાહનો ડીટેઈન કરી રૂા.1,74,800 દંડ વસૂલ્યો હતો. તેમજ જિલ્લામાં હથિયારો રાખતા શખ્સો વિરુધ્ધ શહેરમાં 28 અને ગ્રામ્ય વિસ્તારોમાં 41 મળી કુલ 69 કેસો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
છેલ્લાં ઘણાં સમયથી શહેરમાં આવેલા બગીચા, બેસવા લાયક સ્થળો તથા ખાણીપીણીના સ્થળોએ આવતા શહેરીજનોને આવારા તત્વો દ્વારા મોટા અવાજે વાહનોમાં ટેપ અને હોર્ન વગાડી લોકોને પરેશાન કરતા તથા ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવી ગેરકાયદેસર હથિયારો રાખતા તત્વો વિરુધ્ધ કડક કાર્યવાહી અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી તા.7 થી 10 દરમિયાન પોલીસ વિભાગે જુદા જુદા સ્થળોએ વાહન ચેકીંગ અને પેટ્રોલિંગ અંતર્ગત 293 વાહનો ડીટેઈન કરી રૂા.1,74,800 નો દંડ વસૂલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ માથાભારે શખ્સો દ્વારા બાઈક અને કારમાં ઘાતક હથિયારો સાથે ફરતા હોય જેથી આવા શખ્સો વિરુધ્ધ તા.2 થી 4 દરમિયાન જુદી જુદી ટીમો બનાવી વાહન ચેકીંગ કરી શહેરના વિસ્તારોમાંથી 28 અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 41 મળી કુલ 69 કેસો કરી કડક કાર્યવાહી હાથ ધરી હોવાનું નાયબ પોલીસ અધિક્ષક જે.એસ. ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું.