જામનગર શહેરમાં પોલીસ અધિક્ષકના નેજા હેઠળ છેલ્લાં થોડા દિવસોથી વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ દ્વારા ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ગત રાત્રિના સમયે આ ટ્રાફિક ડ્રાઈવમાં પોલીસે આડેધડ રીક્ષા ચલાવતા એક ડઝનથી વધુ રીક્ષાચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદમાં ઈસ્કોન રોડ પર લકઝરીયસ કારના ચાલક તથ્ય પટેલે નવ લોકોને હડફેટે લઇ મોત નિપજાવ્યાની ઘટના બાદ રાજ્યમાં પોલીસ દ્વારા કડક ચેકીંગ અને ટ્રાફિક ડ્રાઈવના ધડાધડ આયોજનો થઈ રહ્યા છે. જેમાં ઘણાં નિર્દોષ લોકો પણ ભોગ બનતા હોય છે અને ખરેખર જે રેસીંગ કરી વાહનો ચલાવતા નબીરાઓ અને લુખ્ખા તત્વો ખુલ્લેઆમ ફરતા હોય છે. જામનગર શહેર અને જિલ્લામાં પણ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ડ્રાઈવ અંતર્ગત લાયસન્સ, પીયુસી, આરસી બુક, હેલ્મેટ, શીટ બેલ્ટ જેવા કેસો કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ડ્રાઈવ અંતર્ગત ગતરાત્રિના સમયે પોલીસે આડેધડ રીક્ષા ચલાવતા અને ગમે ત્યાં પાર્ક કરી દેતા રીક્ષાચાલકો વિરૂધ્ધ ઘોંસ બોલાવી એક ડઝનથી વધુ ચાલકો સામે ગુનો નોંધી દંડની વસૂલાત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ટ્રાફિક ડ્રાઈવનું આયોજન સારી બાબત છે અને પ્રજામાં જાગૃત્તતા પણ આવશે. પરંતુ, જામનગર શહેર સહિત રાજ્યની સૌથી મોટી સમસ્યા એ છે કે, વન વે જાહેર કરાયેલા માર્ગો પર વાહનચાલકો બિંદાસ અવર-જવર કરતા હોય છે. જામનગર પોલીસે ખરેખર વનવેમાં રોંગસાઈડમાં આવતા વાહનચાલકોને અટકાવવા માટે તેમના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવી જોઇએ અને અમુક રોડ પર તો વાહનચાલકો રોંગસાઈડમાં આવી વાહન અથડાવી પૈસાનો તોડ પણ કરતા હોવાની ઘટનાઓ શહેરમાં બનતી રહે છે.