Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરITC કરતાં વધારે ITC મેળવતાં વેપારીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી

ITC કરતાં વધારે ITC મેળવતાં વેપારીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી

- Advertisement -

ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ અગાઉના મૂલ્યવર્ધન (વેલ્યૂ એડીશન)ના સિધ્ધાંત આધારીત વેરાનો કાયદો છે. આ કાયદાની જોગવાઇ મુજબ વેપારી દ્વારા કરવામાં આવતાં વેચાણો ઉપર આપવાના થતાં વેરામાંથી ખરીદી ઉપર ભરેલ વેરાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર થાય છે. આમ વેપારીએ તેની ખરીદી ઉપર કરેલ મૂલ્યવર્ધન ઉપર જ નેટ વેરો ભરવાનો થાય છે. કાયદાની આ વિશિષ્ટતાનો લાભ વેપારીઓને મળી રહે તે માટે તેઓએ રાજ્યમાં તેમજ રાજ્ય બહાર કરેલ ખરીદી પર ભરેલ વેરાની ઇનપુટ ટેકસ ક્રેડિટ આપવાની જોગવાઇ કરવામાં આવેલ છે. વધુમાં તેઓ જ્યારે વસ્તુઓની આયાત કરે છે. ત્યારે આયાત સમયે ભરેલ આઇજીએસટીની ઇનપુટ ટેકસ ક્રેડિટ પણ આવી વસ્તુઓના વેચાણ વખતે મજરે મળવાપાત્ર છે.

જીએસટી કાયદાની જોગવાઇ મુજબ વેપારીએ દરમહિને પોતાને ભરવાપાત્ર થતો વેરો પત્રક જીએસટીઆર-3બી મારફત ભરવાનો થાય છે. આ પત્રક મુજબ વેપારીએ પોતાના આઉટવર્ડ સપ્લાય પર ભરવાના થતાં વેરામાંથી ઇન્વર્ડ સપ્લાય વખતે ભરેલ વેરો બાદ કરી નેટવેરાની ગણતરી કરી તે મુજબ વેરો ભરવાનો રહે છે. હાલમાં જીએસટીએન સિસ્ટમ દ્વારા વેપારીએ કરેલ ખરીદી ઉપર મળવાપાત્ર આઇટીસીની ગણતરી ફોર્મ જીએસટીઆર-2બીમાં ઉપલબ્ધ કરવામાં આવેલ છે. એટલે કે, વેપારી જ્યારે કોઇપણ બીજા વેપારી પાસેથી માલસામાનની ખરીદી કરે અને આવો સપ્લાય કરનાર વેપારી તેમના દ્વારા ભરવામાં આવતાં પત્રક જીએસટીઆર-1માં આવી વિગત દર્શાવે ત્યારે ખરીદનારને તે બાબતની વિગત પોતાના ફોર્મ જીએસટીઆર-2એ માં ઉપલબ્ધ થાય છે. હાલમાં કાયદાની જોગવાઇ મુજબ ફોર્મ જીએસટીઆર-2એમાં ઉપલબ્ધ આઇટીસીના 105 ટકા પ્રમાણે વેપારી આઇટીસી કલેઇમ કરી શકે છે.

આઇટીસી અંગેની સ્પષ્ટ જોગવાઇઓ હોવા છતાં અમુક વેપારીઓ સરકારી વેરો પૂરેપૂરો ન ભરવાના હેતુથી તેને ઉપલબ્ધ આઇટીસી કરતાં જીએસટીઆર-3બી માં વધારો આઇટીસી કલેઇમ કરે છે. આવું કરીને તેમના દ્વારા ભરવાપાત્ર વેરા કરતાં ઓછી રકમનો વેરો ભરવામાં આવે છે અને તેના કારણે સરકારી આવકને નુકસાન થાય છે. વેપારીઓ દ્વારા આવી રીતે ઓછો વેરો ભરી સરકારી તિજોરીને થતાં નુકસાન અંગે ખાતા દ્વારા ખાસ સોફટવેર વિકસાવવામાં આવેલ છે. આ સોફટવેરની મદદથી વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરના આંકડાઓનું વિશ્ર્લેષણ કરવામાં આવેલ છે. આ વિશ્ર્લેષણમાં આઇટીસીનો ખોટો કલેઇમ કરનાર 99 મોટા વેપારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ તપાસ દરમિયાન 99 પૈકી 78 વેપારીઓ મળી આવેલ નથી. જેથી તેમના વ્યવહારો શંકાસ્પદ જણાય છે અને તેઓ બિલીંગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોઇ તેમના અગાઉના વ્યવહારોની તપાસ હાથ ધરવામાં આવી રહેલ છે. જે વેપારીઓ દ્વારા આવી ખોટી રીતે ક્રેડિટ લેવામાં આવે છે. તેવા વેપારીઓ સામે વેરાની વસુલાતની કાર્યવાહી હાથ ધરવા માટે એકાઉન્ટ સિઝ કરવાથી માંડી બીજા કાયદાકીય પગલાંઓ લેવામાં આવી રહેલ છે. આમ, આ ક્વાર્ટર દરમિયાન રૂા. 171 કરોડ જેટલી મોટી આઇટીસીની રકમ ખોટી રીતે ભોગવેલ હોવાથી આવા વેપારીઓ સામે વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

અત્યારે એ નોંધનિય છે કે, જીએસટીએન સિસ્ટમ દ્વારા હવે પછી વેપારીઓ આવી રીતે ફોર્મ જીએસટીઆર-2એમાં ઉપલબ્ધ ટેક્ષ ક્રેડિટ (આઇટીસી) કરતાં વધારે ટેક્ષ ક્રેડિટ ન મેળવી શકે તેવી જોગવાઇ કરવાની પ્રક્રિયા ચાલી રહેલ છે અને ટૂંકસમયમાં જ આ જોગવાઇનો અમલ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular