ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાઓના પેપર ફૂટવાની ઘટનાઓ તાજેતરમાં જ સામે આવી હતી. અને હવે તો પ્રાથમિક શાળાઓના પેપરની પણ ચોરી થઇ ગઈ છે. રાજ્યભરમાં આજે એટલે કે 22 અને આવતીકાલે 23 એપ્રિલના રોજ યોજનાર ધો.7ની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. ભાવનગરના તળાજામાં આવેલ સરકારી શાળામાંથી ધો. 6 થી 8ના પેપરની ચોરી થઇ જતા નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને સ્કૂલના આચાર્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પેપર ચોરી મામલે મોડીરાતે ફરિયાદ નોંધાવી હતી.
જામનગર જીલ્લાના તળાજા તાલુકાની નેસવડ પ્રાથમિક શાળા માંથી વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રની ચોરી થયાની પોલીસ ફરિયાદ સામે આવી છે. ધો.6 થી 8ના પ્રશ્નપત્રોની ચોરી થતાં આજે ધો.7ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. સોમવારથી રાબેતા મુજબ ધોરણ 7 ની પરીક્ષા યોજવાની રહેશે.અન્ય ધોરણોની પરીક્ષા અગાઉથી આપેલા સમયપત્રક મુજબ લેવાની રહેશે. ધો.7માં આજે વિજ્ઞાન અને આવતીકાલે સામાજિક વિજ્ઞાનનું પેપર યોજનાર હતું. પરંતુ પેપરની ચોરી થતા સોમવારે પેપર લેવાશે. હાલ આ સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી છે. બે દિવસ પહેલાં જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક પહેલાં ફૂટ્યું હોવાનો સેનેટ સભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. અને તે પરીક્ષા પણ રદ્દ કરવામાં આવી હતી.