સાળંગપુરમાં યોજાઇ રહેલાં કષ્ટભંજનદેવ હનુમાનજીના જન્મોત્સવમાં પહોંચેલાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે અહીં રૂા. પપ કરોડના ખર્ચે નિર્માણ પામેલા રાજયના સૌથી મોટા અને અત્યંત આધુનિક ભોજનાલયનું લોકાર્પણ કર્યુ હતું. આ ભોજનાલયમાં એક કલાકમાં 20 હજારથી વધુ લોકોની રસોઇ બની શકે છે. તેમજ એક સાથે 4000થી વધુ લોકો ડાઇનીંગ ટેબલ પર બેસીને આરામથી પ્રસાદ લઇ શકશે.
આ અગાઉ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તેમના પરિવાર સાથે સાળંગપુર હનુમાન જયંતિ મહોત્સવમાં પહોંચ્યા હતા. જયાં તેમણે તેમના પુત્ર જય શાહ સાથે દાદાની મૂર્તિની પૂજા વિધી કરી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખી મંદિર પરિસરમાં ભકતોનો પ્રવેશ બંધ કરાયો હતો. દરમ્યાન આજે હનુમાન જયંતિ નિમિતે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ કષ્ટભંજનદેવના દર્શન કરવા પહોંચ્યા હતા.
ગઇકાલે જ અહીં દાદાની 54 ફૂટ ઉંચી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જેની ઝલક મેળવવા માટે લોકો સવારથી જ પહોંચી ગયા હતા.