રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા બે દિવસ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આજે તા.19 ના રોજ દ્વારકા આવશે. તેમજ નાઇટ હોલ્ટ દ્વારકામાં કરી બિજા દિવસે એટલે કે, તા. 20ના વહેલી સવારે દ્વારકાધીશ મંદિરે દર્શન અને પાદુકાપૂજન કરશે. આ ઉ5રાંત તેઓ જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની પણ મુલાકાત લેશે. જયાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરશે.
ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાની વિકાસ ગ્રાન્ટમાંથી રાષ્ટ્રીય મહાપુરુષ મહારાણા પ્રતાપની પ્રતિમાનું નિર્માણ કરાવી, જામનગર તરફથી ખંભાળિયા શહેરમાં પ્રવેશ કરવાના મુખ્ય માર્ગ પર આ પ્રતિમા મુકવામાં આવી છે.
આ પ્રતિમાની અનાવરણ વિધિ રાજપૂત સમાજના ગુજરાત રાજ્યના રાહબર અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે આવતીકાલે તા. 20ના રોજ સવારે 11 વાગ્યે થશે.
આ સમારંભમાં રાજપૂત સમાજના જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગેવાન અને રાજ્યમંત્રી હકુભા જાડેજા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તેમની સાથે હાલારના સાંસદ પૂનમબેન માડમ અને પૂર્વ ધારાસભ્ય મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહેનાર છે. તેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ. જાડેજાની આગેવાનીમાં રાજપુત સમાજ દ્વારા સમગ્ર આયોજન માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ પ્રસંગે રાજપૂત સમાજના યુવાઓ દ્વારા 251 મોટરસાયકલ મારફતે પ્રતિમાથી ટાઉન હોલ સુધી રેલી સ્વરૂપે એસ્કોર્ટ કરી, મહાનુભાવોને લઈ જવામાં આવશે અને સાફા બાંધીને તમામ મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવશે. આ જ રીતે રાજપૂત સમાજ દ્વારા નગરપાલિકાના જે-તે વખતના હોદ્દેદારો તેમજ વર્તમાન પ્રમુખ, ઉપપ્રમુખ સહિત સર્વે સદસ્યોનું પણ પુષ્પગુચ્છ આપીને અભિવાદન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના તમામ આગેવાનો તથા ખાસ કરીને યુવાનોએ ઉપસ્થિત રહેવા રાજપૂત સમાજ વતી પી.એસ. જાડેજા દ્વારા અપીલ કરવામાં આવી છે.
રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા આજથી બે દિવસ દ્વારકા જિલ્લામાં
ભગવાન દ્વારકાધિશના દર્શન કરી ખંભાળિયામાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરશે : ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે