ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ શાળાઓ, આચાર્યો તથા શિક્ષકોને લગતા પ્રશ્ર્નો રજૂઆતો કરવામાં આવે છે. જેને સરકાર દ્વારા હકારાત્મક વલણ સાથે સ્વીકારી અને છેલ્લા કેટલાક સમયથી શાળાઓમાં સગવડો વધી છે. સાથે સાથે આચાર્ય સંઘની વધુ એક મહત્વની રજૂઆત સફળ થઈ છે.
ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ જે.પી. પટેલ તથા અગ્રણી ભાનુભાઈ પટેલ, ભરતભાઈ ચૌધરી, ડો. નરેનસિંહ દેવડા વિગેરેના પ્રયાસોથી રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓની જેમ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પણ ડિજિટલ સુવિધા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા 90 થી વધુ છાત્રોનું નામાંકન ધરાવતી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સુવિધાઓ જેવી કે સ્માર્ટ ક્લાસ બનાવી આપવી, કોમ્પ્યુટર લેબોરેટરી બનાવી તથા સ્ટેમ લેબની સુવિધા આપવી વિગેરે માટે વિશ્વ બેંક તથા એશિયન બેન્ક દ્વારા આ પ્રોજેક્ટ મંજુર થયો છે. સરકારના આ નિર્ણયને શિક્ષણ વર્તુળો દ્વારા આવકારવામાં આવ્યો છે.