જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રિ-મોન્સુન સફાઇ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રૂા. 1.20 કરોડના ખર્ચે થનાર પ્રિ-મોન્સુન સફાઇ કામગીરી માટે તંત્ર દ્વારા 11 ભાગમાં શહેરની વહેંચણી કરી શરુ કરાયેલી પ્રિ-મોન્સુન સફાઇ કામગીરી અંતર્ગત ચાર વિભાગોમાં પ્રિ-મોન્સુન કામગીરી શરુ કરવામાં આવી છે. દરેડ ખોડિયાર માતાજીના મંદિરથી લાલપુર રોડ બાયપાસથી લાખોટા તળાવ સુધી રંગમતિનું પાણી લાગતી કેનાલ ઉપરાંત અંબર ચોકડી નજીકથી નવાગામઘેડ તરફ જતી કેનાલ સહિતની કેનાલોની સફાઇ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ કેનાલોની સફાઇ હાથ ધરવામાં આવશે અને તળાવમાં પાણીની આવકના તેમજ વરસાદી પાણીના નિકાલોના માર્ગો ખુલ્લા કરવામાં આવશે. જેથી આગામી ચોમાસા દરમિયાન શહેરના નિચાણવાળા વિસ્તારોમાં થતી પાણી ભરાવાની સમસ્યા દૂર કરી શકાય. જામ્યુકો દ્વારા જેસીબી સહિતના મશીનો કામે લગાડી પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે.