પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પર સ્વચ્છતા પખવાડિયાના પ્રારંભે ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે ઉપસ્થિત તમામ રેલવે કર્મચારીઓ અને અધિકારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન દરેકે દર વર્ષે 100 કલાક શ્રમ દાન કરીને સ્વચ્છતાના સંકલ્પને પૂર્ણ કરવાના શપથ લીધા હતા.
ડીઆરએમ અશ્વની કુમારે દરેકને અપીલ કરી હતી કે આપણે ગંદકી દૂર કરીને ભારત માતાની સેવા કરવાનો સંકલ્પ લેવો પડશે, આ માટે આપણે સ્વચ્છતા પ્રત્યે સભાન રહેવું પડશે અને તેના માટે સમય આપવો પડશે. આપણે આની શરૂઆત આપણાથી, પરિવારથી, વિસ્તારથી, ગામથી અને આપણા કાર્યસ્થળથી કરવી જોઈએ. આ માટે આપણે સંકલ્પ લેવો જોઈએ કે ન તો આપણે ગંદકી કરીશું અને ન તો બીજાને કરવા દઈશું. અશ્વનીકુમારે હાજર રેલવે કર્મચારીઓને અનુરોધ કર્યો કે તેઓ પોતપોતાના સ્તરે 100 લોકોને સ્વચ્છતાના શપથ લેવડાવે જેથી સ્વચ્છતા તરફનું આપણું એક પગલું સમગ્ર ભારતને સ્વચ્છ બનાવવામાં મદદરૂપ બને. 16 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર, 2023 સુધી ચાલનારા આ પખવાડિયાના સ્વચ્છતા અભિયાનમાં દરેક દિવસને અલગ-અલગ થીમના આધારે વહેંચવામાં આવ્યો છે અને આ સમયગાળા દરમિયાન સ્વચ્છતા જાગૃતિ, સેમિનાર અને રેલીનું પણ આયોજન કરવામાં આવશે.