કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્ને એસટીના ત્રણેય માન્ય સંગઠનો ફરી એક વખત એક મંચ પર આવીને તંત્રને ભીંસમાં લાવી રહ્યા છે. માંગણીઓનો સકારાત્મક ઉકેલ ન આવે તો આગામી તારીખ રરમીની મધ્યરાત્રીએ 12 વાગ્યાથી ડ્રાઈવર-કંડક્ટર સહિત ગુજરાત રાજ્ય એસટી નિગમના 40 હજાર જેટલા કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે.
એસટી કર્મચારી મહામંડળના અગ્રણીના જણાવ્યા અનુસાર એસટી કર્મચારીઓ તરફથી રાજ્ય સરકારને નાણાંકીય સહિત 20 જેટલા મુદ્દે રજુઆતો કરી છે. જેના ઉકેલ માટે 15 દિવસ પહેલા અલ્ટીમેટમ આપ્યું હતું. જેમાં 15 દિવસની મુદ્દત 15મી સપ્ટેમ્બરે પૂરી થાય છે. ત્યાં સુધીમાં તંત્ર તરફથી નિર્ણય નહીં લેવાય તો 16મીથી 18મી સુધી કાળી પટ્ટી ધારણ કરીને કામ કરશે, ત્યારબાદ 19 અને ર0મીએ કલેક્ટરોને આવેદન આપવામાં આવશે, ર1મી અને રરમીએ સૂત્રોચ્ચાર કરીને સરકારને ઢંઢોળવામાં આવશે.
ત્યારબાદ પણ પ્રશ્નોનું સમાધાન નહીં થાય તો રરમીની મધ્યરાત્રે 12 વાગ્યાથી રાજ્યભરમાં એસટી બસોના પૈડા થંભી જશે. યુનિયન અગ્રણીઓએ જણાવ્યું હતું કે માંગણીઓનું સુખદ નિરાકરણ નહીં આવે તો રરમીથી અચોક્કસ મુદ્દત સુધીની માસ સીએલ પર ઉતરવા કર્મચારીઓની તૈયારી છે.
એસટી કર્મચારીના મુખ્ય પ્રશ્નોમાં નાંણાકીય માગણીઓ છે. તેમજ હાલમાં મહિલા કર્મચારીઓ કંડક્ટર તરીકે ફરજ બજાવે છે તેઓ ઘણી વખત રાત્રિ રોકાણ કરવાની પણ ફરજ પડતી હોય છે ત્યારે મહિલા કર્મચારીઓના રાત્રિ રોકાણ માટે ગેસ્ટહાઉસની સગવડ આપવા, પાર્ટટાઈમ કર્મચારીઓને પૂરા કામના કલાકો આપી તેમને પણ કાયમી કર્મચારી સમકક્ષ પગાર-વેતન ફાળવવા સહિતની માંગણી કરવામાં આવી છે.
ST કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે
22ની મધ્યરાત્રિથી સામૂહિક રજા પર ઉતરી જવા 40,000 કર્મીઓની તૈયારી


