જામનગરના રણજીત સાગર રોડ પર રહેતા લોખંડ અને સિમેન્ટના એક વેપારીએ ધંધામાં મોટું નુકસાન થતાં ઝેર પી આપઘાત કરી લેતાં વેપારી વર્ગમાં શોકની લાગણી જોવા મળે છે. એમ પણ જાણવા મળે છે તેનો પુત્ર અંકિત 15 દિવસથી ગુમ છે.
મનસુખભાઇ લખમણભાઇ નારિયા નામના આ 58 વર્ષના પટેલ વેપારીનો મૃતદેહ લાલપૂર તાલુકાના પીપરટોડા ગામમાં દયાળજી પરબતભાઇ ચૌહાણની વાડી નજીકથી મળી આવ્યો હતો. તેણે ઝેર પી આત્મહત્યા કર્યાનું જાહેર થયું છે. પિતા-પુત્ર જામનગરમાં સાધ્વી એન્ટરપ્રાઇઝ નામની લોખંડ અને સિમેન્ટની દુકાન સંભાળતા હતાં. આ વ્યવસાયમાં અંદાજે ચારેક કરોડ જેટલી નુકસાની ગયાનું કહેવાય છે. જેનાં કારણે આ પટેલ વેપારીએ આપઘાત કર્યો હોવાનું જાહેર થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક વેપારીનો પુત્ર અંકિત 15 દિવસથી ગુમ છે. અંકિતના માતાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવેલી છે. મૃતક લાલપુર તાલુકાના કારાણા ગામના વતની હતા.
મૃતકના નાનાભાઇ છગનભાઇએ પોલીસને જણાવ્યું છે કે, પુત્ર ઘર છોડી જતાં વ્યાકૂળ પિતાએ આ અંતિમ પગલું ભર્યું છે. પોલીસને ઘટના સ્થળેથી સુસાઇડ નોટ (મરણ નોંધ) પણ મળી આવી છે. મૃતકે આ નોટમાં પોતાની પત્નિનો પોતાને સહયોગ આપવા બદલ આભાર માન્યો છે અને પોતાની બે પુત્રીઓની કાળજી લેવા જણાવ્યું છે.
મંગળવારે સવારે 11 વાગ્યે મૃતક પોતાના વતન જવા ઘરેથી નીકળ્યા હતા.બાદમાં તેઓનો મૃતદેહ પીપરટોડા નજીકથી મળી આવ્યો હતો. મૃતકના ભાઇ છગનભાઇએ પોલીસને જણાવ્યું છે કે, જે લોકોએ અંકિતને નાણાં ધીર્યા છે તેઓ મૃતક પર નાણાં પરત મેળવવા દબાણ કરી રહ્યા હતા.