જામનગર શહેરમાં બાઈની વાડી વિસ્તારમાં રહેતી મહિલા અને તેના પુત્ર ઉપર મહિલા સહિતના ત્રણ શખ્સોએ હુમલો કર્યા બાદ મહિલાના પુત્રએ એસિડ પી લીધા બાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં બાઈની વાડી ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા રમીલાબેન હરીશભાઈ ધુ્રવ નામની મહિલાને તેની બાજુમાં રહેતાં જમનાબેન સાથે સફાઈ બાબતના ઝઘડાનો ખાર રાખી શનિવારે વહેલીસવારના સમયે જમનાબેન ગેડા, માઈકલ ગેડા અને રામજી ગેડા નામના ત્રણ શખ્સોએ મહિલાના ઘર પાસે આવી અપશબ્દો કહી મહિલા તથા તેના પુત્રને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. માતા-પુત્રને માર મારી ધમકી આપ્યાના બનાવમાં મનમાં લાગી આવતા મહિલાના પુત્ર રજનીશે તેના ઘરે જઈ એસિડ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હેકો પી ટી જાડેજા તથા સ્ટાફે રજનીશની માતા રમીલાબેનના નિવેદનના આધારે મહિલા સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.