જામનગર શહેરમાં વિકટોરિયા પુલ પાસેના ભારતવાસમાં રહેતાં યુવાને બેકાર યુવાનને માતા સાથે થયેલી બોલાચાલીનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. લાલપુર ગામમાં રહેતાં યુવાનને ત્રણ દિવસથી તાવ આવતા તબિયત લથડવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના વિકટોરિયા પુલ પાસે ભારતવાસ શેરી નં.7 મા રહેતા પ્રવિણ કેશુભાઈ પરમાર (ઉ.વ.35) નામનો મજૂરી કામ કરતો યુવાન ઘણાં સમયથી બેકાર હતો અને તે દરમિયાન તેની માતા સાથે જમવા બાબતે બોલાચાલી કરી હતી. આ બાબતનું મનમાં લાગી આવતા પ્રવિણે ગત તા.30 ના રોજ સવારના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ જેન્તી દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. દાતણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર ગામમાં દરબારશેરીમાં રહેતાં યુવરાજસિંહ કિર્તીસિંહ જાડેજા (ઉ.વ.40) નામના યુવાનને ત્રણેક દિવસથી તાવ આવતો હતો અને તે દરમિયાન તબિયત લથડતા સારવાર માટે લાલપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તબિયત વધુ લથડતા યુવાનને જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું ગુરૂવારે વહેલીસવારના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.