ખંભાળિયા તાલુકાના પરોડીયા ગામમાં રહેતો યુવાન કામ ધંધો કરતો ન હોવાથી પિતાએ આપેલા ઠપકાનું લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામમાં રહેતી મહિલાને માથાનો દુ:ખાવો હોવાથી રસોડામાં પડેલી જંતુનાશક દવા ભૂલથી પી જતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ ખંભાળિયા તાલુકાના પરોડીયા ગામે રહેતા પાલાભાઈ હરજુગભાઈ ભાચકન નામના 35 વર્ષના ગઢવી યુવાન કાંઈ કામ ધંધો કરતા ન હોવાથી આ અંગે તેના પિતાએ ઠપકો આપતા આ બાબતે તેમને મનમાં લાગી આવ્યું હતું. આથી પાલાભાઈ ભાચકનએ ગત તારીખ 10 માર્ચના રોજ પોતાના હાથેથી જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પિતા ગઢવી હરજુગભાઈ ભાયાભાઈ ભાચકન (ઉ.વ. 77) એ સલાયા મરીન પોલીસને કરી છે.
બીજો બનાવ દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામે રહેતા કમીબેન હમીરભાઈ લધા નામના 38 વર્ષના મહિલાને માથું દુખતું હોય, જેથી તેમણે રસોડામાં રહેલી ઝેરી જંતુનાશક દવા ભૂલથી લેતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગત તા. 13 માર્ચના રોજ તેમનું નિપજ્યું હતું. આ અંગેની જાણ પૂજાબેન હમીરભાઈ લધા (ઉ.વ. 18) એ દ્વારકા પોલીસને કરી છે.