જામનગર શહેરના યોગેશ્ર્વરનગરમાં રહેતાં વૃધ્ધા તેની કોર્ટ મેેરેજ કરેલી પૌત્રી સાથે વાતચીત કરતા હોવાનું ગમતું ન હોવાથી વૃદ્ધાના પુત્રએ વૃદ્ધાને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં યોગેશ્ર્વરનગર શેરી નં.2 માં જૂના પાટાની બાજુમાં રહેતાં મંજુલાબેન દ્વારકાદાસ ગોંડલિયા (ઉ.વ.62) નામના વૃધ્ધાની પૌત્રી આશાબેને કોર્ટ મેરેજ કર્યા હતાં. અને વૃધ્ધા તેની પૌત્રી સાથે ફોન પર વાતચીત કરતાં હતાં. દાદી-પૌત્રીની વાતચીત વૃધ્ધાના પુત્ર અજય ઉર્ફે અજલો બાવોને પસંદ ન હોવાથી શનિવારે રાત્રિના સમયે નરાધમ પુત્ર અજયએ વૃદ્ધ માતા મંજુલાબેનને અપશબ્દો બોલી પેટના ભાગે તથા શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી અને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધા એ જાણ કરતા હેકો બી.જે. જાડેજા તથા સ્ટાફે વૃદ્ધ માતાના નિવેદનના આધારે તેના પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.