જામનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓપ.બેંક લી.ના ચુસ્ત શિસ્ત અને અનુશાસનના આગ્રહી એવા બેંકના નવનિયુક્ત ચેરમેન પી.એસ. જાડેજા પારદર્શી વહીવટ અને સચોટ કામગીરી માટેના આગ્રહી છે. તેમના દ્વારા હાલ બેંકની કાર્યપધ્ધતિમાં ધરખમ ફેરફાર કરી, નવી કાર્યપધ્ધતિઓ અમલમાં મુકવામાં આવી છે. જેનાથી બેંકના સભાસદ તથા ગ્રાહકોને નવી સવલતો મળવા પામી છે.
ડિસ્ટ્રીક્ટ બેંકના નવનિયુક્ત ચેરમેન જાડેજાની અવિરત જહેમતના કારણે હાલ જિલ્લા બેંકના સભાસદો અને ગ્રાહકોને વિવિઘ બાબતે પડતી મુશ્કેલીઓનો મહદ અંશે અંત આવ્યો છે. સાથે સાથે ખેડૂતોના નાણાંકીય હિત જોખમાય નહિ તે માટે તેઓ બેંકની તમામ કામગીરી ઉપર સતત દેખરેખ રાખવામાં આવે છે. જેમાં ખાસ કરીને બેંકના લેણાની વસુલાતની કામગીરી કડક હાથે કરવામાં આવી રહી છે.
જેના ઉદાહરણ રૂપે તાજેતરમાં બેંકના ચેરમેન પી.એસ. જાડેજાની સૂચના અને માર્ગદર્શન મુજબ બેંકના રિકવરી અધિકારી અલ્પેશ મોલિયા, નિકુલસિંહ જાડેજા, જે.જી. ઝાલા, ગોવિંદ ચાવડા, જે.બી. ચાવડા વિગેરે દ્વારા આ અંગેની કાર્યવાહી કરી, જિલ્લાના રાજકીય આગેવાન કે જેઓના રૂ. 73 લાખની રકમ શ્રી સ્વાશ્રયી સેવા સહકારી મંડળી લી.- જીવાપરની બાકી લ્હેણી નીકળતી હોય, તેઓના અંદાજીત એક કરોડ રૂપિયાનું ગોડાઉન અને મંડળીનું ટ્રેકટર બેંક દ્વારા શીલ કરીને જપ્ત કરવામાં આવ્યા છે.
આ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ આ મંડળીમાં ભૂતકાળમાં કરોડો રૂપિયાનો ફ્રોડ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. તે બાબતની ફોજદારી ફરિયાદો પણ થઈ છે. વધુમાં આ અગાઉ શેઠવડાળા મંડળીમાં દુકાનની જપ્તી પણ કરવામાં આવી હતી. જેની જાહેર હરાજી કરી રૂ. 30,00,000ની આવક કરી, વસુલાત કરવામાં આવી હતી.
આગામી સમયમાં મંડળીના અન્ય બાકીદારોની મિલ્કત જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત બેંકના જે-તે અધિકારીઓ દ્વારા ખોટી રીતે આપવામાં આવેલી લોનોની બાકી રકમ સંદર્ભે તેઓ સામે પણ સસ્પેન્શનના પગલાં ભરવામાં આવ્યા છે. તાજેતરમાં બેંકના એક અનિયમિત કર્મચારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. આ પ્રકારના કડક પગલાથી બેંકના આવા કર્મચારીઓ તથા બાકીદારોમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામી છે.