Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર’ તો... જામનગરમાં બન્ને ટર્મમાં મેયર પદે મહિલા જોવા મળી શકે!

’ તો… જામનગરમાં બન્ને ટર્મમાં મેયર પદે મહિલા જોવા મળી શકે!

- Advertisement -

પરેશ સારડા-જામનગર

- Advertisement -

રાજ્યની 6 મહાનગરપાલિકામાં આગામી પાંચ વર્ષ માટે મેયર પદનું રોટેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. જે મુજબ જામનગર મહાપાલિકામાં મેયર પદ પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત અને બીજા અઢી વર્ષ એસ.સી. એટલે કે, શેડયુલ કાસ્ટ માટે અનામત રાખવામાં આવ્યું છે.

જામનગરનું આ રોટેશન પરિણામ બાદ ખૂબ જ રસપ્રદ બનવાના એંધાણ સાંપડી રહ્યા છે. ખાસ કરીને ભાજપા માટે પરિણામ ભારે રસાળ બનશે. કેમ કે, સતાસ્થાને આવવાની સૌથી વધુ સંભાવનાઓ રાજકીય પંડિતો ભાજપાની જ જોઇ રહ્યા છે. ત્યારે સ્વાભાવિક પણે જ મેયરપદનું ગણિત ભાજપાને કેન્દ્રમાં રાખીને જ મંડાય રહ્યું છે.

- Advertisement -

હવે જામનગરના મેયરપદના રોટેશનને ધ્યાનમાં લઇને તો પ્રથમ અઢી વર્ષ મહિલા માટે અનામત છે. અર્થાત પક્ષની ચૂંટાયેલી મહિલાઓ પૈકી કોઇને પણ મેયર બનાવી શકાય છે. આમ મેયર પદની પ્રથમ ટર્મ માટે કોઇ સમસ્યા જણાતી નથી. પક્ષ કોને મેયર બનાવે છે તે એક અલગ વિષય છે. તેને લઇને અહીં કોઇ ચર્ચા કરવી નથી. પરંતુ ખરાખરીનો ખેલ તો બીજી ટર્મ માટે છે. જે એસ.સી. માટે અનામત છે. અહીં જ કેટલીક ટેકનિકલ સમસ્યા સર્જાઈ શકે છે.

સ્વાભાવિક રીતે જ પ્રથમ ટર્મ મહિલા માટે અનામત હોય બીજી ટર્મમાં કોઇ પુરૂષને તક આપવામાં આવે. ત્યારે ભાજપા પાસે શું વિકલ્પ છે અને શું સંભાવનાઓ છે તે જાણવું ખૂબ જ રસપ્રદ બની રહેશે. પ્રથમ તો આપને જણાવી દઇએ કે, ભાજપાએ જે 64 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે તેમાં 32 પુરૂષો પૈકી માત્ર 3 પુરૂષો જ શેડયુઅલ કાસ્ટના છે. જેમાં વોર્ડ નં.10 માં મુકેશ માતંગ, વોર્ડ નં.15 માં જયંતીભાઈ ગોહિલ અને વોર્ડ નં.16 માં વિનોદ ખીમસુર્યાનો સમાવેશ થાય છે. આમ આ ત્રણમાંથી કોઇ એકને મેયર પદ મળી શકે છે.

- Advertisement -

હવે રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે. કોઇ પણ પરિણામ આવી શકે છે. ત્યારે મેયર પદ માટે શું થઈ શકે તેની સંભાવનાઓ જાણવી જરૂરી છે. આમેય રાજકારણ સંભાવનાઓનો ખેલ છે. ત્યારે આપણે જાણીએ શું-શું થઈ શકે.

સંભાવના-1
પહેલી સંભાવના એ છે કે, ત્રણે એસસી ઉમેદવાર જીતી જાય તો બીજી ટર્મમાં આ ત્રણ પૈકી કોઇ એક શહેરના પ્રથમ નાગરિક બની શકે. આ સ્થિતિમાં પક્ષ માટે કોઇ સમસ્યા સર્જાશે નહીં.

સંભાવના-2
બીજી સંભાવના એ છે કે, ત્રણ પૈકી બે કે માત્ર એક જ ઉમેદવાર ચૂંટાય જો એક જ ઉમેદવાર ચૂંટાય. તો તેને સીધી લોટરી લાગી જશે અને મેયર બની જશે. અને જો બે ચૂંટાશે તો પક્ષને વિકલ્પ મળશે.

સંભાવના-3
ત્રીજી સંભાવના પક્ષ માટે પણ વિચાર માગી લ્યે તેવી છે. ન કરે નારાયણને જો ત્રણે ત્રણ ઉમેદવાર હારી જાય તો શું ? આવી સ્થિતિમાં પુરૂષને બદલે કોઇ એસ.સી. મહિલાને મેયર બનાવવી પડે. જો આવું થાય તો શકય છે જામનગરમાં આગામી પાંચે પાંચ વર્ષ મેયર પદે મહિલા જ જોવા મળે ! જો કે, આ બધુ જો અને તો પર આધારિત છે પરંતુ રાજકારણમાં તેને નજર અંદાજ કરી શકાય તેમ નથી.

સંભાવના-4
આ એક એવી સંભાવના છે જેની સંભાવના ખૂબ જ અલ્પ છે. પરંતુ, સંભાવના તો આખરે સંભાવના જ છે. તેની ચર્ચા પણ જરૂરી છે. બીજી ટર્મ માટે નિયમ મુજબ, સત્તાસ્થાને આવેલા પક્ષ પાસે જો કોઇ એસ.સી. ઉમેદવાર ન હોય તો નિયમ મુજબ વિપક્ષના કોઇ એસ.સી. ઉમેદવારને મેયર પદે બેસાડવો પડે.

સ્વાભાવિક રીતે જ આ સ્થિતિ કોઇ પણ પક્ષ પસંદ ન કરે ત્યારે ભાજપા જામનગરમાં આગામી ચૂંટણીમાં બહુમતિ મેળવવા સાથે મેયર પદની બીજી ટર્મને પણ માઈન્ડમાં રાખશે અને એસ.સી. પુરૂષ ઉમેદવારને જીતાડવા તમામ પ્રયાસો કરશે. તેવામાં હાલના પક્ષના ત્રણે એસ.સી. ઉમેદવારોનું કામ થોડું આસાન થઈ જાય તેવું જણાય રહ્યું છે.

ઉપરોકત સંભાવનાઓ અત્રે એટલે પ્રસ્તુત કરી છે કે, ભૂતકાળના પરિણામોના આધારે જોઇએ તો તે શકય પણ બની શકે છે. કેમ કે, ભાજપાએ જે ત્રણ વોર્ડમાં પોતાના એસ.સી. ઉમેદવાર ઉભા રાખ્યા છે તે ત્રણ પૈકી વોર્ડ નં.15 અને 16 માં 2015 ની ચૂંટણીમાં ભાજપાની પેનલનો પરાજય થયો હતો. જયારે વોર્ડ નં.10 માં ભાજપાની પેનલ આવી હતી. પરંતુ પરિણામો ગમે ત્યારે બદલાય શકે છે. આમ જામનગરમાં આગામી પાંચેય વર્ષ મહિલા મેયર પણ બની શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular