દેશ વિદેશથી આવતા તમામ પ્રવાસીઓ માટે ગુજરાતનું સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વર્ષ 2018માં 1 નવેમ્બરથી પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. 2021 સુધીમાં 50 લાખ કરતા પણ વધુ લોકો અહીં મુલાકાતે આવ્યા છે. તહેવારોના સમયે અહીં વધુ લોકો મુલાકાતે આવે છે.
ગુજરાતમાં નર્મદા નદી પર બનાવવામાં આવેલ સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટર દૂર આવેલી 182 મીટર ઊંચી વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાને સાત કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. જે તમામ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવઅને સરદાર સરોવર નર્મદા નિગમના એમડી ડૉ.રાજીવ કુમાર ગુપ્તાએ ટ્વીટ મારફતે જાણકારી આપતા જણાવ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે અત્યાર સુધી 50 લાખ કરતા પણ વધારે મુલાકાતીઓએ મુલાકાત લીધી છે.
મુલાકાતીઓ માટે અહીં બે ટેન્ટસીટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેનું એક દિવસનું ભાડું 6,000 રૂપિયા છે, રોયલ ટેન્ટનું ભાડું 8,000 રૂપિયા છે અને રોયલ વિલાનું ભાડું 30,000 રૂપિયા છે. તેમાં જમવાનો, સ્ટેચ્યુની ટિકિટ અન્ય પ્લેસિસની વિઝિટનો સમાવેશ થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારને વૈશ્વિક સ્તરનું પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે.