વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સમગ્ર ઉતર ભારત ઉપરાંત ગુજરાત જેવા રાજ્યોમાં હવામાન પલ્ટાની સ્થિતિ છે જ ત્યારે પાટનગર દિલ્હી તથા એનસીઆરમાં મધરાતથી જોરદાર વરસાદ થતા માર્ગો પાણીથી લથબથ બન્યા હતા.
હિમાચલ-ઉતરાખંડના પર્વતીય ભાગોમાં ભારે હિમવર્ષાનો દોર જારી રહ્યો છે. પાટનગર દિલ્હી, એનસીઆર, ઉપરાંત ઉતરપ્રદેશ તથા હરિયાણામાં મધરાતથી મેઘગર્જના અને આકાશી ગડગડાટ વચ્ચે ભારે વરસાદ ખાબક્યો હતો.
પાટનગરના કેટલાંક માર્ગો જળબંબાકાર બન્યા હતા અને અંડરપાસમાં પણ પાણી ભરાયા હતા. કાર જેવા વાહનો અર્ધા-અર્ધા ડુબી જવા જેવી હાલત થઇ હતી. સવારે પણ વરસાદ ચાલુ હતો અને આખો દિવસ યથાવત રહહેવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.દિલ્હી ઉપરાંત ઉતરપ્રદેશના લખનૌ, ગાઝીયાબાદ, ગુરુગ્રામ સહિતના શહેરોમાં વરસાદ થયો હતો. હરિયાણામાં પણ ચોમાસા જેવો વરસાદ પડયો હતો. હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે કાશ્મીર બાજુ નવુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રિય થયું છે તેની અસરે રવિવાર સુધી વરસાદ વરસી શકે છે. દિલ્હી-એનસીઆર-હરિયાણા-પંજાબ-ઉતરપ્રદેશ તથા ઉતરીય રાજસ્થાનમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત હાડ થિજાવતી ઠંડીનો દોર શરુ થઇ શકે છે.
બીજી તરફ ઉતરીય રાજ્યોના પર્વતીય ભાગોમાં બારે હિમવર્ષા થઇ હતી. પરિણામે કાતિલ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે. 9 જાન્યુઆરી સુધી ભારે હિમવર્ષાની ચેતવણી આપીને હવામાન વિભાગે પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકોને ઘરની બહાર નહીં નીકળવાની સલાહ આપી છે.