કાલાવડ પંથકના વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી તસ્કરોનો રંજાડ વધી રહ્યો હતો. વધતી જતી ચોરી અટકાવવા તપાસ દરમિયાન કાલાવડ પોલીસને મહત્વની સફળતા મળી હતી. પોલીસે તસ્કર ગેંગના નવ સભ્યોને રોકડ અને બાઈક સહિતના મુદામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
જામનગર જિલ્લાના કાલાવડ ગામ નજીકના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી હતી. તેમાં પણ ખાસ કરીને આ ચોરી આચરનારી ગેંગમાં પરપ્રાંતિય શ્રમિકો સંડોવાયેલા હોવાની આશંકાના આધારે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં. તેમજ આ ગેંગ ચડ્ડી અને શર્ટ પહેરી બુકાની બાંધી ચોરી આચરતી હતી. વધતી જતી ચોરી અટકાવવા માટે પોલીસ અધિક્ષક દ્વારા અપાયેલી સૂચનાના આધારે કાલાવડ પોલીસે ચક્રો ગતિમાન કરી જુદી જુદી ટીમો બનાવી પંથકમાં થયેલી પાંચથી વધુ ચોરીનો ભેદ ઉકેલી સફળતા મેળવી હતી. ચોરીના બનાવની વિગત મુજબ કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ માસથી વધી રહેલા ચોરીના બનાવ ડામવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી પી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ બી એમ કાતરિયા, પીએસઆઇ એચ.બી. વડાવીયા, હેકો સંદીપસિંહ જાડેજા, જિતેન પાગદાર, વનરાજ ઝાપડીયા, પ્રતિપાલસિંહ સોઢા તથા પોકો ગૌતમ અકબરી, જયપાલસિંહ જાડેજા, સંજય બાલિયા, વાસુદેવસિંહ જાડેજા, સુરપાલસિંહ જાડેજા, વિપુલ રાફુચા, અનિરુધ્ધસિંહ જાડેજા, હાર્દિક ગોસાઇ, રવિરાજસિંહ જાડેજા, વિજય ઝુંઝા, સાજીદ બેલિમ, ભારતીબેન વાડોલીયા, શિતલબેન ઝાપડા, સ્નેહાબેન સાવલિયા તથા સ્ટાફે જુદી જુદી ટીમો બનાવી પેટ્રોલીંગમાં પરપ્રાંતીય ખેત મજૂરોની શંકાસ્પદ ગતિવિધિઓ ઉપર વોચ ગોઠવી હતી. જેમાં જશાપરના સરપંચ વિનુભાઈ દ્વારા જાણ કરતાં પોલીસે જશાપરની સુરસાંગડા સીમ વિસ્તારમાં બાલાજી ફાર્મની પાછળથી ત્રણ બાઈક પર ટ્રીપલ સવારી જતાં નવ શખ્સોને આંતરી લીધા હતા.
પોલીસે મધ્યપ્રદેશના વતની અને જશાપરમાં મજૂરી કામ કરતાં મુનીલ ઉર્ફે મુન્નો સુભાષ બામણીયા નામના શખ્સ વિરુદ્ધ રાજકોટના લોધીકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલો હતો. જેના આધારે પોલીસે મુનીલની આગવી ઢબે પૂછપરછ કરતાં કાલાવડમાં પાંચ ચોરી આચર્યાની કેફિયત આપી હતી. તેમજ આ ચોરી મુનીલે તેના અનિલ સુભાષ બામણીયા, ધર્મેશ ઉર્ફે ધમો ગમરિયા વાસ્કેલા, રેમલા ઉર્ફે રામલાલ સાવલિયા અલાવા, પપ્પુ વેસ્તા મોહનીયા, અમરસિંહ ઉર્ફે નાનકો ગમરિયા વાસ્કેલા, મંગેશ ઉર્ફે રમેશ ગમરીયા વાસ્કેલા, વેલસિહ ઉર્ફે રાજુ ગમરિયા વાસ્કેલા, ભૂરા મંગરસીંહ અલાવા નામના નવ શખ્સોને ઝડપી લીધા હતા.
કાલાવડ પોલીસે નવ તસ્કરો પાસેથી રૂા. 65000ની કિંમતના ત્રણ બાઈક, રૂા. 41500ની કિંમતના 11 નંગ મોબાઈલ, બે ચાંદીના સિક્કા, બે તેલના ડબ્બા, ગોફણ, ચોરીમાં ઉપયોગમાં લીધેલી લોખંડની કોષ અને સળિયો તથા 60,500 ની રોકડ રકમ સહિત કુલ રું 1,67,000 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં તસ્કર ગેંગ રાત્રીના અંધારાંમાં બાઈક છુપાવી મોઢે ટોપીઓ તેમજ બુકાની બાંધી ચડ્ડી અને શર્ટ પહેરી ચોરી આચરતાં હતા.