જામનગર શહેરના હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ સામે આવેલા જ્વેલર્સની દુકાનમાંથી ગત રાત્રિના સમયે તસ્કરો ચોરી કરી ગયા હતાં. ચોરીની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી કેટલાની માલમતાની ચોરી થઈ છે? તે અંગેની તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ સામે આવેલા નિલકંઠ જ્વલેર્સમાં શુક્રવારની મોડીરાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતાં અને સટર ઉંચકીને દુકાનમાં પ્રવેશ કરી આશરે 50 હજારના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયાનો અંદાજ છે. ચોરીની જાણ થતા આજે સવારે જવેલર્સના માલિક દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થળ પરથી તપાસ આરંભી દુકાનમાં રહેલા સીસીટીવી ફૂટેજો મેળવી તસ્કરો વિરુધ્ધ ગુનો નોંધવા અને તસ્કરોનું પગેરુ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.