જામનગર શહેર અને જિલ્લામાં ધીમે ધીમે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. એક તરફ ચૂંટણીનો ગરમાવો અને બીજી તરફ ગુલાબી ઠંડીમાં રાત્રિના તથા વહેલીસવારના સમયે ઠંડીની ઝલક જોવા મળી રહી છે. છેલ્લાં બે ત્રણ દિવસથી શરૂ થયેલી ઠંડીના કારણે ગરમ વસ્ત્રોની ખરીદીમાં ઘસારો જોવા મળી રહ્યો છે. જામનગરમાં ન્યુનતમ તાપમાન 16 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
દેશના અમુક વિસ્તારોમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી બરફ વરસી રહ્યો છે. આ વરસાદને કારણે દેશના બાકીના વિસ્તારોમાં ધીમે-ધીમે ઠંડીની શરૂઆત થઈ રહી છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં રાત્રિના અને વહેલીસવારના સમયે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, આ વખતે ગત વર્ષ કરતા ઠંડીની શરૂઆત થોડી મોડી થઈ છે. તો બીજી તરફ રાજ્યની 182 વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી યોજાનાર હોય ત્યારે રાજ્યમાં ચૂંટણીનો ગરમાવો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં ઠંડી ધીમા પગરવે વધી રહી છે. જેમાં ન્યૂનતમ તાપમાન 16.6 સુધી પહોંચી ગયું છે. જ્યારે મહત્તમ તાપમાન 31.5 રહ્યું છે અને ભેજનું પ્રમાણ 38 થી 57 ટકા થયું છે અને પવનની ઝડપ 0 થી 5 કિ.મી. પ્રતિકલાક રહેવાની શકયતા છે. રાજ્યમાં શિયાળાના પ્રારંભે વહેલસવારે ઝાકળની ચાદર છવાયેલી જોવા મળે છે.