જામનગર જિલ્લાના ધ્રોલ મુકામે રહેતા ભરતભાઈ હરીભાઈ વાણીયા કે જેઓ ધ્રોલ મુકામે ત્રિકોણબાગ પાસે આવેલ મહાદેવ ડેરી એન્ડ ફુડ નામની દુકાનમાં નોકરી કરતાં હતાં ત્યારે આ કેસના આરોપી અનિરૂધ્ધસિંહ ઉર્ફે ભુરો ગંભીરસિંહ જાડેજાના ભાઈએ આ દુકાનમાં આવી તોડફોડ કરી નુકસાન કર્યુ હતું. જેથી ભરતભાઈએ તેઓ વિરૂધ્ધ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદનો ખાર રાખીને આરોપી અનિરૂધ્ધસિંહ ફરિયાદીની દુકાને જઈને ભુંડી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી ભરતભાઈ વાણીયાને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતાં. આ બનાવ અન્વયે ફરિયાદી ભરતભાઈ એ આરોપી સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એકટ મુજબ ફરિયાદ નોંધભાવેલ હતી.
આ કેસ અત્રેની સ્પેશીયલ અદાલતમાં કમીટ થઈને આવતા સરકાર તરફે એપીપી ધર્મેન્દ્ર એ. જીવરાજાની હાજર થયેલા હતાં. સરકાર તરફે કરેલ દલીલ માન્ય રાખીને જામનગરના સ્પે. જજ એ.એ. વ્યાસે આરોપી અનિરૂધ્ધસિંહ ઉર્ફે ભુરાને એટ્રોસિટી એકટની કલમ 3(1) એસ અન્વયે તકસીરવાન ઠરાવી છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે. તથા રૂા.1000 નો દંડ ફટકારેલ છે. આ કેસમાં સરકાર તરફે એપીપી ધર્મેન્દ્ર એ. જીવરાજાની રહ્યાં હતાં.