ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતા નાનજીભાઈ રામાભાઈ ચાવડા નામના એક યુવાનને કેશુર વજશી ભીંભાની પાનબીડીની દુકાને રૂપિયા 100 ની રકમ બાકી હોય, તારીખ 20-08-2014 ના રોજ આરોપી કેસુર વજશી ભીંભા બુલેટ મોટર સાયકલ લઈને આવ્યા હતા અને નાનજીભાઈને આપવાના થતા રૂપિયા 100ના બદલે તેમણે રૂપિયા 500 માંગતા ફરિયાદી નાનજીભાઈએ રૂપિયા 500 આપી દીધા હતા. તેમ છતાં પણ આરોપીએ બિભત્સ ગાળો કાઢી, ચંપલનો એક ઘા મોઢા પર મારી દીધો હતો.
આટલું જ નહીં, “મારી દુકાને આવતો નહીં”- તેમ કહી ગાળો કાઢતા ફરિયાદીએ ગાળો કાઢવાની ના કહી હતી. જેથી બુલેટમાં રહેલો ગેડો (લાકડી) કાઢી અને માથામાં ઝીંકી દીધી હતી. જેના કારણે લોહી-લોહાણ હાલતમાં નાનજીભાઈને હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ પ્રકરણમાં ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ 324 તથા એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરી, તપાસનીસ ડી.વાય.એસ.પી. જે.સી. કોઠીયા દ્વારા કરવામાં આવેલા ચાર્જશીટ અંગેનો કેસ ખંભાળિયાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આ પ્રકરણમાં કુલ 10 સાક્ષીઓની તપાસ, ફરિયાદીની જુબાની, ડોક્ટર તથા તપાસનીસ અધિકારીની જુબાની ઉપરાંત સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી, અદાલતે આરોપીને છ માસની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.