ગુજરાત હાઈકોર્ટે “મોદી સરનેમ” પરની ટિપ્પણીને લગતા ફોજદારી માનહાનિના કેસને નકારી કાઢ્યા બાદ કોંગ્રેસે રાહુલ ગાંધી પ્રત્યે એકતા પ્રકટ કરતા 12 જુલાઈના રોજે તમામ રાજ્યોમાં મૌન સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું છે. આ સત્યાગ્રહ સવારે 10:00થી સાંજના 5 વાગ્યા સુધી રાજ્યના મુખ્યાલયમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે યોજાશે.પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે રાજ્ય કોંગ્રેસ સમિતિના પ્રમુખો, રાજ્ય પ્રભારીઓ અને પાર્ટીના અગ્રીમ સંગઠનો અને વિભાગોના પ્રમુખોને પત્ર મોકલીને મૌન સત્યાગ્રહના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. વેણુગોપાલે કહ્યું કે આ સમય એક સાથે મળીને બતાવવાનો છે
સત્ય અને ન્યાયની લડાઈમાં રાહુલ ગાંધી એકલા નથી, પરંતુ લાખો કાર્યકરો અને કરોડો નાગરિકો તેમની સાથે ઉભા છે.
ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ’મોદી સરનેમ’ ટિપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર રોક લગાવવાની અરજીને ફગાવી દીધી છે. સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે 23 માર્ચે ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા વર્ષ 2019ના કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 (ગુનાહિત માનહાનિ) હેઠળ રાહુલ ગાંધીને દોષિત ઠેરવતા બે વર્ષની સજા કરી હતી. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીને લોકપ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ હેઠળ સંસદના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી વર્ષ 2019માં લોકસભામાં ચૂંટાયા હતા.