અભૂતપૂર્વ આર્થિક સંકટમાં ઘેરાયેલા શ્રીલંકાની સ્થિતિ દિવસે ને દિવસે બદથી બદતર થઈ રહી છે. સરકાર વિરુદ્ધ લોકોમાં આક્રોશ એટલો બધો વધી ગયો છે કે મહિન્દા રાજાપક્સેએ સોમવારે વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દેવા છતાં દેખાવકારો દ્વારા હિંસક દેખાવો થઈ રહ્યા છે. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે રાજધાની કોલંબોને આર્મીને હવાલે કરી દેવાયું અને દેશવ્યાપી કરફ્યૂ લાદવામાં આવ્યો છતાં સ્થિતિ નિયંત્રણમાં ના આવતા સંરક્ષણ મંત્રાલયે મંગળવારે દેખો ત્યાં ઠારનો આદેશ આપ્યો છે. વધુમાં કરફ્યૂ 12મી સુધી લંબાવાયો છે. બીજીબાજુ પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજાપક્સેએ પરિવાર સાથે કોલંબો છોડીને ભાગવું પડયું છે. અસાધારણ આર્થિક અને રાજકીય કટોકટીનો સામનો કરતા શ્રીલંકાના અનેક શહેરોમાં લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે. પરિણામે સૈન્યને દેખાવકારોને જોતા જ ગોળી મારી દેવાનો આદેશ અપાયો છે. બીજીબાજુ વિપક્ષે દેશમાં સરકાર વિરોધી શાંતિપૂર્ણ દેખાવોને હિંસક બનાવવા માટે ભૂતપૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજાપક્સેની ધરપકડ કરવાની માગણી કરી છે. આખા શ્રીલંકામાં ચાર દિવસ પહેલા જ ઈમર્જન્સી લાગુ કરી દેવાઈ હતી તેમ છતાં સ્થિતિ નિયંત્રણ હેઠળ ન આવતાં સોમવારે દેશવ્યાપી કરફ્યૂ લાગુ કરાયો હતો.