મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેને 4 જૂલાઈના રોજ ફ્લોર ટેસ્ટનો સામનો કરવો પડશે. આ ફ્લોર ટેસ્ટમાં શિંદે સરકાર પોતાનો બહુમત સાબિત કરશે. બહુમતને લઈને શુક્રવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, અમારી પાસે 170 ધારાસભ્યો છે અને સંખ્યા વધી રહી છે. તેમણે કહ્યું કે, અમારી પાસે વિધાનસભામાં સહજ બહુમત છે. 288 સીટોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપની પાસે 106 ધારાસભ્યો છે અને શિંદેનો દાવો છે કે, તેમની પાસે 50 ધારાસભ્યોનો ટેકો છે. તેમાં શિવસેનાના 39 અને બાકી અપક્ષ ધારાસભ્યો સામેલ છે. ત્યારે ઉધ્ધવ ઠાકરેએ શિવસેનામાંથી એકનાથ શિંદને શિવસેના નેતાના પદ પરથી દુર કરી દીધા છે. સીએમ શિંદેના જૂથના બળવાખોર ધારાસભ્યો હજુ ગોવામાં જ રોકાયા છે. આ તમામ શનિવારે મુંબઈ પહોંચશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શિંદેને 4 જુલાઈએ સદનમાં બહુમત સાબિત કરવા કહ્યું છે. શુક્રવારે બીજેપી નેતા રાહુલ નાર્વેકરે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર પદ માટે પોતાનું નામાંકન કરાવ્યું હતું. 3 જુલાઈથી વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે. એકનાથ શિંદેએે ગુરૂવારે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. 2.5 વર્ષ સુધી ચાલેલી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારના પતન પાછળ શિંદે કેમ્પનો હાથ છે. શિંદેએ શિવસેનાના 39 ધારાસભ્યોની સાથે રાકાંપા અને કોંગ્રેસની સાથે મહા વિકાસ અઘાડી ગઠબંધનને લઈને પોતાની જ પાર્ટી સામે વિદ્રોહ કરી દીધો હતો. બળવાખોર ધારાસભ્યો ઈચ્છતા હતા કે શિવસેના પ્રમુખ ઠાકરેએ જે પક્ષોનો વિરોધ કર્યો હતો તેની સાથેનું જોડાણ તોડી નાખે. તેમણે કહ્યું કે શિવસેનાનું સ્વાભાવિક ગઠબંધન ભાજપ સાથે છે અને તેણે પાછા જવું જોઈએ. ઠાકરે સામે બળવો કર્યા બાદ તરત જ બળવાખોર ધારાસભ્યો મહારાષ્ટ્ર છોડીને ભાજપ શાસિત ગુજરાતમાં પછી ગુવાહાટી (આસામ) ચાલ્યા ગયા હતા. એકનાથ શિંદેએ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે પરંતુ મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણનો હજુ અંત નથી આવ્યો. ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને પાર્ટીના સંગઠનમાં ’શિવસેના નેતા’ના પદ પરથી દૂર કરી દીધા છે.