જામનગરના 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા ધારાસભ્ય બન્યા બાદ ના પોતાના સતત ત્રીજા જન્મદિવસની ઉજવણી જુદા જુદા પાંચ સેવા પ્રકલ્પોને ધ્યાનમાં રાખીને વિશેષ રૂપે કરવામાં આવશે. જેના ભાગરૂપે આગામી 14 જાન્યુઆરીને મકર સંક્રાંતિના દિવસે પંચવિધ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા કેશવજી અરજણ લેઉઆ પટેલ સેવા સમાજમાં મહારક્તદાન કેમ્પ, 79- વિધાનસભા વિસ્તારની તમામ આંગણવાડીના બાકી રહેલા કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા તેમજ મહિલાઓમાં બ્રેષ્ટ કેન્સર ની જાગૃતિ લાવવાના ભાગરૂપે બહેનોની મેમોગ્રાફી અભિયાનને આગળ ધપાવવા તેમજ 251 નાની દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સર વેકસીનેશન અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત- જામનગર સહિતના સેવાયજ્ઞનું આયોજન કરાયું છે.
ધારાસભ્ય બન્યા બાદ પ્રથમ જન્મદિવસે રક્તદાન કેમ્પ યોજીને 525 બોટલ રક્ત એકત્ર કરાયું હતું અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે આવનારા સૌરાષ્ટ્રભરના ગરીબ દર્દીઓ માટે તેમજ થેલેસેમિયાના બાળકો માટે જી.જી. હોસ્પિટલની બ્લડ બેન્ક માં જમા કરાવાયુ હતું.
ઉપરાંત પ્રથમ જન્મદિવસે આંગણવાડીના 251 કુપોષિત બાળકોને દત્તક લેવાયા હતા, તેમાંથી 241 બાળકો સુપોષિત બન્યા હતા. ત્યારબાદ બીજા જન્મ દિવસે 90 બાળકોને દતક લેવાયા હતા, જેમાંથી 85 બાળકો સુપોષિત થયા હતા ઉપરાંત ગત વર્ષે પણ 530 બોટલ રક્ત એકત્ર કરીને જી.જી. હોસ્પિટલમાં દર્દીઓને ઉપયોગમાં લેવા માટે અપાયું હતું.
ઉપરાંત સ્તન કેન્સર ની જાગૃતિ અર્થે જામનગર શહેરના 1863 બહેનોને જાગૃત કરીને તેઓના મેમોગ્રાફી સ્ક્રિનિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 15 બહેનોના પોઝિટિવ ટેસ્ટ મળ્યા હતા.આગળની સારવાર માટે ધારાસભ્ય દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે આ વખતે સતત ત્રીજા વર્ષે પણ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી નો આગામી 14 મી જાન્યુઆરીને મકરસંક્રાંતિના પર્વ ના દિવસે જન્મદિવસ છે, ત્યારે રણજીત નગર પટેલ સેવા સમાજમાં સવારે 9.00 વાગ્યાથી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે, અને મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમજ કુપોષણથી સુપોષણ સુધીના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મુખ્ય અભિયાન અંતર્ગત 79- વિધાનસભા વિસ્તારની આંગણવાડીના બાકી રહેલા તમામ કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટેનું અભિયાન આગળ ધપાવાશે. સાથો સાથ જામનગર શહેરના બહેનોમાં સ્તન કેન્સર (બ્રેસ્ટ કેન્સર) ની જાગૃતિ લાવવાના ભાગરૂપે બહેનોની મેમોગ્રાફીનું અભિયાન વધુ વેગવંતુ બનાવવામાં આવશે.
આ ઉપરાંત જામનગર શહેરની 251 નાની દીકરીઓને સર્વાઇકલ કેન્સર વેકસીનેશનનું અભિયાન તેમજ જામનગર શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન સહિતના પાંચ પ્રકલ્પો હાથ ધરાશે.
ઉપરોક્ત સમગ્ર પંચવિધ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, અને મહા રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ એકત્ર થાય, તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં વધુમાં વધુ લોકોએ ઉપસ્થિત રહીને રક્તદાન કરવા ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા અપીલ કરવામાં આવી છે.