દેવભૂમિ દ્વારકાના પ્રસિદ્ધ નાગેશ્વર મહાદેવ મંદિરને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે. મંદિરના પૂજારીઓ દ્વારા યાત્રિકો સાથે ધર્મના નામે અનૈતિક આચરણ અને લૂંટ ચલાવવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
આ મુદ્દે આજુબાજુના ગામોના સરપંચોએ એકઠા થઈને આક્ષેપોની વિગતવાર રજૂઆત પ્રાંત અધિકારી અમોલ આવતેને કરી છે. રજૂઆત દરમિયાન સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક પણ ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી મામલો વધુ ગંભીર બન્યો છે.
ગામલોકોની પીડા અને આક્ષેપો
ગામલોકો અને યાત્રિકોનું કહેવું છે કે નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજારીઓ યાત્રિકો પાસેથી મનમાની રીતે પૈસા વસૂલ કરે છે. આરતી, અભિષેક કે વિશેષ પૂજા માટે અનેકગણી રકમ વસુલાતી હોવાના આક્ષેપો છે. ધર્મસ્થળે શ્રદ્ધાળુઓની ભાવનાઓનો લાભ લઈ કેટલાક પૂજારીઓ દ્વારા ધર્મના નામે ખુલ્લેઆમ લૂંટ ચલાવાતી હોવાની ફરિયાદો ઉઠી છે.
યાત્રિકોનો આક્ષેપ છે કે મંદિર પ્રાંગણમાં વ્યવસ્થાનો પુરતો અભાવ છે, સ્વચ્છતા, શિસ્ત અને ધાર્મિક શાંતિની જગ્યાએ અયોગ્ય વર્તન અને ભીડનો ત્રાસ જોવા મળે છે.
ટ્રસ્ટ અને પૂજારી સામે કાર્યવાહી ની માંગ
આક્ષેપો મુજબ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આ અનિયમિતતાઓ પર કોઈ પગલાં લેવામાં આવતા નથી. ગામલોકોનો આક્ષેપ છે કે ટ્રસ્ટ અને પૂજારીઓ વચ્ચે એક પ્રકારની સમજૂતીથી લૂંટ ચાલુ રાખવામાં આવે છે.
સરપંચોએ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરીને મંદિરની વ્યવસ્થા અંગે તાત્કાલિક તપાસ શરૂ કરવા, પૂજારીઓની હિસાબી કાર્યવાહી કરવા અને યાત્રિકોની સુરક્ષા અને સુવિધા માટે કડક પગલાં ભરવા માંગ કરી છે.
ધારાસભ્ય પબુભા માણેક પણ રહ્યા ઉપસ્થિત
રજુઆત દરમ્યાન દ્વારકા ક્ષેત્રના ધારાસભ્ય પબુભા માણેક પોતે હાજર રહ્યા હતા. ધારાસભ્યએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે નાગેશ્વર જેવા આંતરરાષ્ટ્રીય યાત્રાધામનું નામ ખરાબ થાય તેવી પ્રવૃત્તિ સહન નહીં કરવામાં આવે. તેમણે સ્થાનિક સ્તરે તરત તપાસ શરૂ કરવા કહ્યું છે.
ધર્મસ્થળની આભા પર ભ્રષ્ટાચારની છાયા
નાગેશ્વર મહાદેવ મંદિર દેવભૂમિ દ્વારકાનું અતિપ્રાચીન અને ઐતિહાસિક મંદિર ગણાય છે. દર વર્ષે હજારો યાત્રિકો અહીં દર્શનાર્થે આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પૂજારીઓના આ વર્તનને કારણે મંદિરની પ્રતિષ્ઠા ઉપર પ્રશ્નચિહ્ન ઉભું થયું છે.
ગામલોકોમાં રોષ છે કે જે ધર્મસ્થળ લોકો માટે શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક હોવું જોઈએ, ત્યાં હવે પૈસાની દાદાગીરી અને ભ્રષ્ટાચારનો માહોલ સર્જાઈ ગયો છે.
પ્રશાસનની તપાસ પછી મોટો વિસ્ફોટ શક્ય
પ્રાંત અધિકારી અમોલ આવતે દ્વારા રજૂઆત સ્વીકારી લેવામાં આવી છે અને પ્રાથમિક તપાસના આદેશો આપ્યા હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં તપાસ રિપોર્ટ બહાર આવતા નાગેશ્વર મંદિરના પૂજારીઓ અને ટ્રસ્ટ સામે મોટો વિસ્ફોટ થવાની પૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે.


