જામનગર શહેરમાં પ્રણામી સ્કૂલની વાડીની સામે પોલીસે એક બુટલેગરનો પીછો કરતા શખ્સે દારૂની બોટલો ખુલ્લા મેદાનમાં ફેંકીને જતો રહ્યો હતો. ત્યારબાદ પોલીસે 46 બોટલ દારૂ કબ્જે કરી શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. કાલાવડ તાલુકાના રાજસ્થળીથી ખીમાણી સણોસરા જવાના માર્ગ પરથી પોલીસે બાઈકસવાર બે શખ્સોને દારૂની બોટલ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના વિભાપર રોડ પરથી પોલીસે દારૂની બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના પ્રણામી સ્કૂલની વાડી સામેના વિસ્તારમાં પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફ એક બુટલેગરને ઝડપી લેવા પીછો કરતાં હતાં ત્યારે બુટલેગરે ખુલ્લા મેદાનમાં દારૂની બોટલનો જથ્થો ફેંકીને નાશી ગયો હતો. ત્યારબાદ પોલીસે ખુલ્લા મેદાનમાંથી રૂા.18000 ની કિંમતની 46 નંગ દારૂની બોટલો કબ્જે કરી નાશી ગયેલા પ્રફુલ્લ ઉર્ફે પાગો ખજુરિયા ભદ્રા નામના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, કાલાવડ તાલુકાના રાજસ્થળી ગામથી ખીમાણી સણોસરા તરફ જવાના માર્ગ પરથી પસાર થતા જીજે-10-એસ-2561 નંબરના બાઈકને સ્થાનિક પોલીસે આંતરીને બાઈકની ડેકીની તલાસી લેતા તેમાંથી રૂા.500 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા પોલીસે હરસુખ છગન વસોયા અને રાજદીપસિંહ વિક્રમસિંહ જાડેજા નામના બે શખ્સોની દારૂ અને બાઇક મળી રૂા.20500 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો જામનગર શહેરના ગુલાબનગર વિભાપર રોડ પરથી પસાર થતા નિતેશ ચંદુગર ગોસાઈ નામના શખ્સને આંતરીને પોલીસે તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા આ દારૂનો જથ્થો કબ્જે કરી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.