કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાલાર મુલાકાતને લઇને જામનગર અને દ્વારકા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સજજડ કરવામાં આવી છે.
ગૃહમંત્રી આજે મોડી સાંજે જામનગર આવી પહોંચશે. તેમજ રાત્રિ રોકાણ સરકીટ હાઉસમાં કરવામાં આવનાર હોય એરપોર્ટથી લઇને સરકીટ હાઉસ સુધીના માર્ગની સુરક્ષા અંગેની ચકાસણી કરવામાં આવી છે. જયારે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ સરકીટ હાઉસમાં રાત્રિ રોકાણને પગલે સમગ્ર સરકીટ હાઉસને છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું છે. પોલીસની ડોગ સ્કવોર્ડ દ્વારા સમગ્ર પરિસરની ચકાસણી કરવામાં આવી છે. જયારે અહીં પણ રાઉન્ડ ધ કલોક ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગૃહમંત્રી આવતીકાલે સવારે દ્વારકા જવા રવાના થશે. જયાં જુદા-જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે. એરપોર્ટથી સરકીટ હાઉસ સુધીના ગૃહમંત્રીના આવાગમનને લઇને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કોન્વેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.