ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. આજે 93 બેઠકો પર ચૂંટણી પડઘમ શાંત થશે. સાંજે પ વાગ્યા સુધી પ્રચાર, સભાઓ થઈ શકશે. જોકે, આજે સાંજ બાદ ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર કરી શકશે. છેલ્લી ઘડીના પ્રચારમાં ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
ગુજરાતમાં બીજા તબક્કામાં 14 જિલ્લાની કુલ 93 વિધાનસભા બેઠકો માટે પ ડિસેમ્બરે મતદાન થશે. સોમવારે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થશે, જ્યારે શનિવારે સાંજે પાંચ વાગ્યા પછી જાહેરમાં પ્રચાર, સભા અને રેલી કે રોડ શો કરી શકાશે નહીં. આ સાથે જ પ્રચારના છેલ્લા દિવસે રાજકીય પાર્ટીઓ દ્વારા છેલ્લા ઘડીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમદાવાદમાં 30 કી.મી. લાંબો રોડ શો કરીને સમગ્ર મહાનગરમાં મોદીવેવ સર્જી દીધો હતો. મોદીએ ગઈકાલે સાંજે પાંચ વાગ્યે આ રોડ શોનો પ્રારંભ કર્યો હતો અને તે અમદાવાદની 13 બેઠકો પરથી પસાર થયો હતો અને તમામ સ્થળોએ વડાપ્રધાનના રોડ શોને જબરો આવકાર મળ્યો હતો.
મોદીએ આ રોડ શોને પુષ્પાંજલી યાત્રા નામ આપ્યુ હતું અને તેમાં માર્ગમાં સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ સહિતના પાંચ રાષ્ટ્રીય નેતાઓની પ્રતિમાને પુષ્પાંજલી કરી હતી. મોદીના રોડ શો દરમ્યાન તેઓએ સતત પાંચ કલાક સુધી ખુલ્લી જીપમાં ઉભા રહીને હાથ હલાવીને સૌનું અભિવાદન કર્યુ હતું. ગુજરાત વિધાનસભા બેઠકમાં આખરી તબકકાના પ્રચારમાં મોદીનો રોડ શો યાદગાર બની ગયો હતો અને તેમાં ભાજપના તમામ કોર્પોરેટરો તેમજ અગ્રણીઓ પણ સતત સાથે રહ્યા હતા. ઠેર-ઠેર મોદીનું સ્વાગત થયુ હતું તેમજ કેસરીયા સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજુ થયા હતા.
ચૂંટણી પંચના આંકડા મુજબ પ્રથમ તબક્કાના 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન થયું છે. પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનમાં ડેડિયાપાડામાં સૌથી વધુ 82.33 ટકા તો કચ્છના ગાંધીધામમાં સૌથી ઓછુ 47.86 ટકા મતદાન નોંધાયું છે. કુલ 788 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે. તો કેટલીક જગ્યાએ ઈવીએમ પણ ખોટવાયા હોવાની ફરિયાદો મળી હતી.
આ વખતે 2017ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયેલા મતદાન કરતાં ઓછું વોટિંગ નોંધાયું છે. વર્ષ 2017માં 68.33 ટકા મતદાન થયુ હતું. જ્યારે આ વખતે 7 ટકા જેટલું મતદાન ઓછું થયું છે. આ ઉપરાંત શહેરોમાં પણ 9 ટકા જેટલું મતદાન ઓછું નોંધાયું છે. આ બધાની વચ્ચે માત્ર ભાવનગરની ગારિયાધાર બેઠક પર જ મતદાન વધ્યું છે. ગારિયાધાર બેઠક પર 3.64% મતદાન વધ્યું છે જે રસપ્રદ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કોંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.