વૈજ્ઞાનિકોએ એન્ટાર્કટિકાના બરફના આવરણ નીચેથી 85 નવા તળાવો શોધી કાઢયા છે. 10 વર્ષના સેટેલાઈટ ડેટા અનુસાર અત્યાર સુધી આ તળાવો અજાણ હતાં. આ તળાવો સક્રિય છે એટલે કે, તે સમયાંતરે ખાલી થાય છે અને ફરી ભરાય જાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે, હિમનદીઓની સ્થિરતાને અસર કરે છે. બરફનું ધોવાણ સમયાંતરે થાય છે. જે વૈશ્વિક સમુદ્ર સ્તરને અસર કરે છે.
યુરોપીયન સ્પેસ એજન્સી (ઈએસએ)ના ક્રોયોસટ-2 ઉપગ્રહના ડેટાનો ઉપયોગ કરીને આ શોધ કરવામાં આવી હતી. આ અભ્યાસ 19 સપ્ટેમ્બરના રોજ નેચર કોમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રકાશિત થયો હતો. યુકેની લીડ્સ યુનિવર્સિટીના પ્રોફેસર અન્ના હોગે જણાવ્યું હતું કે, સબ હિમશિલા તળાવ વિસ્તારોને ભરવા અને ખાલી કરવા જોવાનું ખુબ જ રોમાંચક હતું. આનાથી જાણવા મળ્યું કે, એન્ટાર્કટિકાની પાણીની પ્રવૃત્તિઓ પહેલાંના વિચાર કરતા વધુ ગતિશિલ છે. આ તળાવોનું સતત નિરીક્ષણ કરવાની જરૂર છે.

પહેલાં એન્ટાર્કટિકામાં 146 સક્રિય સબ હિમશિલા તળાવો હતાં. આશોધથી કુલ 231 થયા છે. આ તળાવો બરફ નીચે છુપાયેલા છે. પૃથ્વીની અંદરથી ગરમી વધે છે અથવા પથ્થર સામે બરફનું ઘર્ષણ ગરમી ઉત્પન્ન કરે છે. આ બરફ પીગળે છે પાણી બનાવે છે અને તળાવો બને છે. કયારેક આ તળાવો ખાલી થઈ જાય છે. પાણીનો પ્રવાહ બરફ નીચે લુબ્રિકેશન પુરૂ પાડે છે. જેનાથી બરફ પથ્થર ઉપર ઝડપથી સરકીને સમુદ્ર તરફ આગળ વધે છે. 2010 થી 2020 સુધીના ડેટાનો ઉપયોગ કરી આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. ક્રાયોસેટ – 2 ઉપગ્રહ દરિયાઈ બરફ, હિમનદીઓ અને બરફની ચાદરની જાડાઇ માપે છે. તેમાં રડાર અલ્ટીમીટર છે જે બરફની ઉંચાઈમાં નાના ફેરફારો શોધી કાઢે છે.
તળાવો ભરવા અને ખાલી થવાથી બરફ ઉપર અને નીચે ખસે છે. ડેટા દર્શાવે છે કે, ડઝનબંધ સ્થળોએ, બરફ થોડો ડૂબી રહ્યો છે. અથવા તો ઉપર વધી રહ્યો છે ત્યારે વૈજ્ઞાનિકો એ 25 તળાવોના સમુદ્ર અને પાંચ નવા નેટવર્ક શોધ્યા છે. આ તળાવો એક બીજા સાથે જોડાયેલા છે.

એન્ટાર્કટિકાના બરફ પીગળવાથી સમુદ્રની સપાટીમાં વધારો થાય છે. જો હિમનદીઓ ઝડપથી સમુદ્રમાં ભળી જાય છે તો દરિયાકાંઠાના વિસ્તારો ડૂબી જાય છે. જેનાથી વિશ્ર્વભરના લોકો પ્રભાવિત થઈ શકે છે.આ શોધ દ્વારા આબોહવાના પરિવર્તનની અસરને વધુ પ્રકાશિત કરે છે. ત્યારે વૈજ્ઞાનિકો કહે છે કે, એન્ટાર્કટિકાની જળ વ્યવસ્થા વધુ જટિલ છે. આપણે ઉપગ્રહોનો ઉપયોગ કરીને તેનું સતત નિરીક્ષણ કરવાની જરૂર છે. જેથી સમુદ્ર સપાટીની વધુ સચોટ આગાહીઓ થઈ શકે છે. ત્યારે ભારત માટે પણ આ મહત્વપૂર્ણ છે કારણ કે, બંગાળની ખાડીમાં પણ તેની અસરો જોવા મળી શકે છે.


