ખંભાળિયા તાલુકા પંચાયત હેઠળ આવતા જુદા જુદા 20 ગામોમાં એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટ કામોની મંજૂરી તથા ચુકવણા અંગેના બોગસ દસ્તાવેજો તૈયાર કરી તેના ઉપર સહી-સિક્કાઓ કરી રૂા.68.34 લાખના કામોની મંજૂરી કરી સુવ્યવસ્થિત રીતે કૌભાંડ આચરવા સબબ જામનગર પંચાયતના ઈલેક્ટ્રીક શાખાના ઇલેક્ટ્રિશિયન સામે વધુ એક પોલીસ ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ સમગ્ર કોભાંડ અંગે જામનગરમાં રહેતા અને ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા કૌશલકુમાર ભીમજીભાઈ છૈયાએ જામનગરની પંચાયત વિભાગની ઇલેક્ટ્રીક શાખામાં ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવતા હરીસિંહ સામે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ જામનગર જિલ્લા પંચાયત હસ્તકના રોડ, રસ્તા મકાનની મરામત તથા નવા બનાવવા અંગે જામનગરની જુદી જુદી તાલુકા પંચાયતના ગામડાઓમાં કરવાના થતા ઈલેક્ટ્રીક તથા સિવિલ વર્કના કામોની તાંત્રિક મંજૂરી જામનગર જિલ્લા પંચાયત કચેરી હસ્તક આપવામાં આવે છે. જામનગર પંચાયતની પેટા વિભાગની ઓફિસમાં ઇલેક્ટ્રીક શાખામાં વાયરમેન તરીકે ફરજ બજાવતા હરિસિંહને ઇલેક્ટ્રિશિયન તરીકેનો વધારો હવાલો સોંપવામાં આવ્યો હતો. આ પછી ગત તારીખ 23 માર્ચ 2023 ના રોજ જામનગર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરીના ફરજ મોકુફીના આદેશથી આરોપી હરિસિંહ ગોહિલને બનાવટી સહીના ગુનાહિત કૃત્ય કરવા અને જામનગર જિલ્લાના જુદા જુદા ગુનાઓમાં પણ તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ દરમિયાન થોડા સમય પૂર્વે જામનગર કચેરીના ધ્યાને આવ્યા મુજબ ખંભાળિયા તાલુકાના જુદા જુદા ગામોમાં પણ એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટો અંગેની કામગીરી થઈ હોવાથી આ મુદ્દે જામનગર પંચાયતના અધિકારીઓ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસમાં જામનગરના કર્મચારી હરીસિંહને દ્વારકા જિલ્લામાં કામગીરી કરવાની ન હોય અને તેમણે જિલ્લાના કોઈ ગામડાના એલ.ઈ.ડી. કામ અંગેની ફાઈલ જામનગરના સક્ષમ અધિકારી સમક્ષ રજુ કરી ન હોય, આ વચ્ચે દ્વારકા જિલ્લાના પ્રાંત કચેરી હસ્તકના 9 ગામના 10 કામોની તેમજ તાલુકા વિકાસ અધિકારી હેઠળના 11 ગામના 14 કામોની તપાસણીમાં આ 20 ગામોના 24 કામો અંગેની કરવામાં આવેલી કામગીરીની ખરાઈ કરતા જામનગર કાર્યપાલક ઇજનેરના સહી સિક્કા જોવા મળ્યા હતા.
આમ, કુલ 24 કામોમાં જામનગરના ઇલેક્ટ્રિશિયન દ્વારા પોતાના કાર્યક્ષત્રમાં ન આવતું હોવા છતાં પણ બનાવટી સિક્કા મારી તેના પર નાયબ કાર્યપાલક ઇજનેરની સહી જેવી ભળતી સહી કરી અને જામનગર કચેરી ખાતે મોકલ્યા વગર બારોબાર ખંભાળિયાની તાલુકા પંચાયત કચેરીમાં રજૂ કરવામાં આવતા તાલુકા પંચાયત પાસેથી રૂ. 68,34,000 ની તાંત્રિક મંજૂરી મેળવી અને તાલુકા પંચાયત દ્વારા આ ચુકવણું કરી દેવામાં આવ્યું હતું.
આ સમગ્ર પ્રકરણમાં ખંભાળિયાના પ્રાંત અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારી કચેરી ખાતેથી આ સમગ્ર ફાઈલોના બનાવટી અંદાજપત્રો, કોમ્પિટિશન સર્ટિફિકેટ તથા તેમની સાથે રજૂ કરવામાં આવેલા તમામ સાધનિક કાગળો મેળવી અને જામનગરના ઇલેક્ટ્રિશિયન સામે ખંભાળિયા પોલીસ મથકમાં જામનગરના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર કે.બી. છૈયાની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ 465, 466, 467, 471, 472 તથા 475 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.