અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંજીયાસર ગામના સરપંચને એસીબીની ટીમે લાંચ લેતાં રંગેહાથ ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ એક જાગૃત નાગરિક સીંગદાણાના બિયારણનો વેપાર કરતાં હોય જેની પાસેથી નાના મુંજીયાસર ગામના ખેડુતોએ બિયારણની ખરીદી કરી હતી. જે બિયારણ ખરાબ નિકળતાં ખેડુતોએ ફરિયાદીને વાત કરી હતી. આથી ફરિયાદીએ ખરાબ બિયારણ પેટે ખેડુતોને વળતર આપ્યું હતું. આ બાબતની નાના મુંજીયાસરના સરપંચ અને આરોપી મનસુખભાઇ બચુભાઇ કયાડાને જાણ થતા આરોપીને ફરિયાદીનો સંપર્ક કરી ફરિયાદી પાસે રૂા.5 લાખની લાંચની માંગણી કરી હતી. જે રકઝકના અંતે રૂા.3 લાખ આપવા નકકી થયું હતું.
આ દરમ્યાન જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે જુનાગઢ એસીબીના મદદનીશ નિયામક બી.એલ.દેસાઇના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી.બી.ગઢવી તથા સ્ટાફે છટકુ ગોઠવીને મારૂતી ઓઇલ મીલ પાસે ભેંસાણ રોડ જુનાગઢ ખાતેથી મનસુખ બચુભાઇ કયાડા નામના સરપંચને લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા હતાં.