જૈન સમાજ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી થઇ રહી છે. આજે પર્યુષણ મહાપર્વનો અંતિમ દિવસ એટલે કે, સંવત્સરી છે. જેને લઇ જૈન સમુદાયમાં અનેરો ઉમંગ છવાયો છે. જૈન શ્રાવકો દ્વારા મિચ્છામી દુકકડમ સાથે ક્ષમાપના પર્વ સંવત્સરીની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના જિનાલયોમાં જૈન સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા. તેમજ સંવત્સરીનું પ્રતિક્રમણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેનો પણ જૈન સમાજના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
જૈન ધર્મના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વની જામનગર શહેરમાં જૈન સમુદાય દ્વારા ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં આવેલા જૈન દેરાસરોમાં છેલ્લા 10 દિવસથી ભકિતસભર કાર્યક્રમો યોજાયા હતા. અને જૈન શ્રાવક-શ્રાવિકાઓ ભગવાન મહાવીર સ્વામીની ભકિતમાં એકાકાર થઇ ગયા હતા. પર્યુષણ દરમ્યાન જૈન શ્રાવક-શ્રાવિકાઓએ તપ કર્યા હતા. એક ઉપવાસથી લઇ 30 ઉપવાસ સુધીની તપસ્યા કરી હતી. ત્યારબાદ આજે પર્યુષણ પર્વના અંતિમ દિવસે સંવત્સરીની ઉજવણી કરવામાં આવી હતી.
આજે સંવત્સરી નિમિતે જેના ઉપાશ્રયોમાં ગુરૂભંગવતો દ્વારા વ્યાખ્યાનમાં 12માં સૂત્રનું વાંચન થશે. જે કલ્પસૂત્રના 8 વ્યાખ્યાનનો સાર છે. છેલ્લા 10 દિવસથી જૈન દેરાસરોમાં જૈન તીર્થકરોની દિવ્ય આંગીના દર્શન સાથે અનેક વિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આજે પર્યુષણ પર્વના અંતિમ દિવસ એટલે કે, સંવત્સરી પ્રતિક્રમણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. શ્રધ્ધા ભકિત સાથે પ્રતિક્રમણ સહિતની વિધિ સંપન્ન થયા બાદ સંવત્સરી મહાપર્વ નિમિતે જૈના શ્રાવકો પરસ્પરને મિચ્છામી દુકકડમ કરી ક્ષમાપનાનો ભાવ વ્યકત કરશે.
સંવત્સરી પર્વની ઉજવણી બાદ ઉપવાસીઓના પારણા અને વરઘોડા સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. જેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટશે.