ગાંધીનગરના પેથાપુરમાં સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળામાં શુક્રવારે મોડી રાત્રે અજાણ્યા યુવક દ્વારા બાળકને તરછોડી દેવામાં આવ્યો હતો. જેના પિતાની ભાળ મળ્યા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. જેમાં બાળકના પિતા સચિન દીક્ષિતે ‘સ્મિત’ની માતા મહેંદી ઉર્ફે હીનાની ગળું દબાવીને હત્યા નિપજાવ્યા બાદ બાળકને મૂકી ગયો હતો. બાળક મળી આવ્યા બાદ પોલીસે માતા-પિતાની શોધખોળ અને તપાસ શરૂ કર્યાના 20 કલાક પછી બાળકના માતા-પિતાની ભાળ મળતા અનેક ચોંકાવનારા ખુલ્લાસા થયા છે.
આ અંગે રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું કે, બાળકના પિતા સચિનને ગાંધીનગરથી ઝડપી લઇ પૂછપરછમાં દરમ્યાન તે વડોદરાની કંપનીમાં કામ કરતો હતો અને તેને મહેંદી ઉર્ફે હિના સાથે પ્રેમ હતો. હીના સાથે બોલાચાલી બાદ આવેશમાં આવીને તેણે તેની પ્રેમિકાની હત્યા કરી નાંખી હતી.
હીના પેથાણી એક શો રૂમમાં નોકરી કરતી હતી. જ્યાં સચિન દીક્ષિત સાથે તેને પરિચય થયા બાદ પ્રેમસબંધમાં પરિણામ્યો હતો.સચિન અને હીના બન્ને 2019થી લિવ-ઈનમાં રહેતા હતા. જ્યારે સચિને બે મહિના પહેલા જ વડોદરામાં નોકરી મેળવી હતી. આથી સચિન 5 દિવસ વડોદરા અને 2 દિવસ ગાંધીનગરમાં રહેતો હતો. બે દિવસ પહેલા સચિને પોતાના વતન ઉત્તર પ્રદેશ જવાની વાત કરતાં હીના સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ આવેશમાં આવીને સચિને હીના ઉર્ફે મહેંદીનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. સચિને હિનાની લાશને સગેવગે કરવા માટે તેના મૃતદેહને બેગમાં પેક કરીને રસોડામાં મૂકી દીધી હતી.
ત્યારબાદ સચિને પેથાપુર ખાતેનું સ્વામિનારાયણ મંદિર પ્રખ્યાત હોવાના કારણે તેને ત્યાં છોડી દેવામાં આવ્યો હતો. હાલ બાળકને શિશુ ગૃહ ખાતે રાખવામાં આવ્યું છે અને ડીએનએ સેમ્પલના રિપોર્ટ બાદ બાળક અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે.
મહેંદી ઉર્ફે હીના પેથાણી મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોની વતની છે. હીનાની માતા હયાત નથી, જ્યારે તેના પિતાએ બીજા લગ્ન કર્યાં છે. સચિને વડોદરાના બાપોદ સ્થિત ફ્લેટમાં જ હીનાની હત્યા કરી હતી. જે બાદ હીનાની લાશને બેગમાં પેક કરીને રસોડામાં મૂકીને હત્યારો સચિન ફરાર થઈ ગયો હતો. હવે હીનાની હત્યાની ફરિયાદ વડોદરામાં જ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.