ઈરાનના ઈઝરાયલ પરના હુમલા પછી મધ્ય પૂર્વમાં તંગદિલી અત્યંત વધી ગઈ છે. ઈરાને શનિ-રવિની મોડી રાત્રે ઈઝરાયલ ઉપર 300થી વધુ ડ્રોન અને મિસાઇલ્સ હુમલા કર્યા છે. ઈઝરાયલનો દાવો છે કે તેણે 99% જેટલા મિસાઇલ્સ અને ડ્રોન્સ ખતમ કરી નાખ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલના રાજદૂત ગિલાદ એર્દોને કહ્યું કે, આ હુમલાઓએ તમામ સીમાઓ ઓળંગી દીધી છે. ઈઝરાયલને તેનો જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે.તેવું પણ જાણવા મળ્યું છે કે, તે મિસાઇલ્સ અને ડ્રોન વિમાનો અમેરિકા અને બ્રિટન તથા ફ્રાંસની ત્યાં રહેલી ટુકડીઓએ મારી હટાવ્યા હતાં.
દરમિયાન રશિયાના પ્રમુખ પુતિને અમેરિકાને ચેતવણી આપી છે કે, તે ઈરાન-ઈઝરાયલ મામલામાં દખલ ન કરે. જો ઈઝરાયલ દ્વારા કરાતા કાઉન્ટર એટેકમાં જો અમેરિકા સાથ આપશે કે કોઈ પણ રીતે મદદ કરશે તો રશિયા હાથ જોડીને બેસી નહીં રહે અમે ખુલ્લે આમ ઇરાનના સમર્થનમાં ઊભા રહેશું.
આ સાથે તે સ્પષ્ટ થઈ ગયું છે કે, હવે દુનિયા બે ભાગમાં વહેંચાઈ રહી છે. એક તરફ ઈઝરાયલ તરફે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ સહિત નાટો રાષ્ટ્રો છે તો બીજી તરફ રશિયા અને તેની સાથે ચીન તથા ઉત્તર કોરિયા પણ ઈરાન સાથે ઊભાં રહ્યાં છે.