રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા ટેન્શનમાં વધારો થતાં બન્ને દેશો યુધ્ધની વધુ નજીક પહોંચ્યા છે. રશિયાએ યુક્રેન સરહદે કરેલી યુધ્ધની તૈયારીઓને ધ્યાનમાં લઇ અમેરિકા સહિતના નાટો દેશો પણ રશિયાના કોઇપણ હુમલાનો જવાબ આપવા તૈયાર થયા છે. પરિસ્થિતિ બગડતી જોઇને અમેરિકાએ વધુ 3000 સૈનિકો પોલેન્ડ રવાના કર્યા છે. પરિણામે વિશ્વ પર યુધ્ધનો ખતરો મંડરાવા લાગ્યો છે. રશિયા-યુક્રેન ટેન્શનને લઇને સમગ્ર વિશ્વ બે ભાગમાં વહેંચાઇ ગયું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને 3000 એમરિકી સૈનિકોને પોલેન્ડ રવાના કરવાનો આદેશ કર્યો છે. જયારે 2000 સૈનિકો પહેલેથી જ પોલેન્ડમાં તહેનાત છે. યુધ્ધના ભણકારા વચ્ચે આજે રશિયા અને અમેરિકાના રાષ્ટ્રપતિ ફોન પર વાતચીત કરશે. યુધ્ધ અટકાવવા માટે આ વાતચીત ખુબજ મહત્વની માનવામાં આવી રહી છે. અમેરિકાના એક રક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર રશિયન હુમલાને લઇને નાટો દેશ ચિંતિત છે. જો કે, અમેરિકાએ એ સ્પષ્ટ કર્યુ છે કે, તેના સૈનિકો યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ થશે તો તેનો હિસ્સો નહીં બને. અમેરિકી સૈનિકોને ઉદેશ માત્ર નાટો સેનાના સૈનિકોને તાલીમ આપવાનો અને યુધ્ધની સ્થિતિનો અભ્યાસ કરાવવાનો છે. વાસ્તવમાં પોલેન્ડ નાટોનું સદસ્ય છે અને તેની સીમા યુક્રેન અને રશિયા સાથે જોડાયેલી હોવાને કારણે અમેરિકી સૈનિકોને પોલેન્ડ મોકલવામાં આવી રહયા છે. જો રશિયા યુક્રેન પર કોઇપણ પ્રકારનો હુમલો કરે છે તો વિશ્વ પર ત્રીજા વિશ્વ યુધ્ધનો ગંભીર ખતરો ઉભો થઇ શકે છે.
પરિણામે યુનો આ બાબતને ખૂબજ ગંભીરતાથી લઇ રહી છે. બન્ને દેશો વચ્ચે સમાધાન માટેના પ્રયાસો કરવામાં આવી રહયા છે. વાસ્તવમાં યુક્રેનને નાટોનું સદસ્ય બનાવવા સામે રશિયા વાંધો ઉઠાવી રહયું છે. જો યુક્રેન નાટોનું સદસ્ય બને તો નાટોના સૈન્ય મથકો ત્યાં ઉભા થઇ શકે. જે રશિયાના હિત માટે જોખમી હોવાનું રશિયા માની રહ્યું છે.